રિઝર્વ બેંક સમક્ષ બે કરોડના સિક્કા અને નાની કિંમતની ચલણી નોટો ઉપલબ્ધ કરાવવા ‘સિક્કા મેળો’ યોજવા માંગણી
દીવાળી અને નૂતન વર્ષના તહેવારોની શ્રેણી દરમિયાન બજારોમાં ખરીદી, વેચાણ સહિતના રોકડ વ્યવહારોમાં અડચણ અંતરાય ન આવે તે માટે કચ્છના મુખ્ય વાણિજ્યિક અને ઔદ્યોગિક કેન્દ્ર એવા ગાંધીધામ-કંડલા સંકુલમાં આ સમયગાળા દરમિયાન વેપારી પ્રવૃત્તિઓ માટે સિક્કા અને નાની કિંમતની ચલણી નોટોની પૂરતી ઉપલબ્ધતા માટે ચેમ્બર દ્વારા રજુઆત કરાઈ છે.
વેપારીઓ, નાના વ્યવસાયકારો અને ગ્રાહકોને રોજિંદા વ્યવહારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સમસ્યાના નિવારણ માટે અને તહેવારો દરમિયાન રોકડ વ્યવહારો વધુ સરળ બને તેવા હેતુથી ગાંધીધામ ચેમ્બર દ્વારા ભારતીય રિઝર્વ બેંકના ચલણ વ્યવસ્થાપન વિભાગ સમક્ષ ગાંધીધામ ખાતે સિક્કા મેળાનું આયોજન કરવા તથા પૂરતા પ્રમાણમાં સિક્કા અને નાની કિંમતની ચલણી નોટો ઉપલબ્ધ કરાવવા માટે આ રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ દ્વારા ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્રીય કાર્યાલય, મુંબઈના ચલણ વ્યવસ્થાપન વિભાગના મુખ્ય મહાપ્રબંધકને પાઠવવામાં આવેલા પત્રમાં એક કરોડના સિક્કા અને એક કરોડની નાની કિંમતની ચલણી નોટોનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે.
આ વ્યવસ્થા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સંબંધિત કરન્સી ચેસ્ટ શાખાઓના સહયોગથી ગોઠવી ગાંધીધામ ચેમ્બર પરિસરમાં સિક્કા મેળાનું આયોજન કરવા અનુરોધ કરાયો છે. ચેમ્બર પ્રમુખ શ્રી કાનગડે આ અંગે જણાવ્યું હતું કે, દીવાળી વેપાર-વાણિજ્ય અને આર્થિક પ્રવૃત્તિઓની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ સમયગાળો છે. આ દિવસોમાં બજારોમાં ખરીદી અને રોકડ વ્યવહારોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે આવા સમયે સિક્કા અને નાની કિંમતની ચલણી નોટોની પૂરતી ઉપલબ્ધતા વેપારીઓ તથા ગ્રાહકો બંને માટે જરૂરી છે, અહીંના વેપારીઓ, નાના વ્યવસાયકારો અને ગ્રાહકોને તહેવારો દરમિયાન છૂટક નાણાંની અછતને કારણે મુશ્કેલી ન પડે તે માટે ચેમ્બરનો પ્રયાસ છે કે સંબંધિત બેંકોના સહયોગથી ગાંધીધામમાં સિક્કા મેળાનું આયોજન થાય અને વેપારી સમુદાયને રાહત મળે.
માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બર સાત દાયકાથી વધુ સમયથી વેપા૨-ઉદ્યોગના હિતોની સાથે સામાન્ય જનતાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે સક્રિય ભૂમિકા ચેમ્બર ભજવતી આવી છે. વેપારી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે અને ગ્રાહકોને દૈનિક વ્યવહારોમાં અસુવિધા ન થાય તે માટે સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીધામ ચેમ્બર દ્વારા વેપારી તથા ગ્રાહક સંગઠનો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઈ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

