પોલીસને જોઈ ભગાવાયેલું વાહન ડિવાઈડર પર ચડી ગયું, ચાલક અંધારામાં ફરાર
પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારની હદની આડેસર પોલીસ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ઝડપાયો હતો. પોલીસને જોઈ દારૂ ભરેલી ટાટા હેરિયર કારના ચાલકે વાહન ભગાવતાં હાઈવેના કટ પરથી યુ-ટર્ન લેવા વખતે આગળનું ટાયર ડિવાઈડર પર ચઢી જતાં કાર રોકાઈ ગઈ હતી. આ કાર મૂકીને અંધારાનો લાભ લઈ ચાલક ફરાર થઈ ગયો હતો. પો.સ.ઈ. બી.વી. ગાગીયા, પો.કોન્સ. રાજાભાઈ રામાભાઈ અને પો.કોન્સ. અભિજીતસિંહ દિગ્વિજયસિંહ આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ સમયે પાટણ જિલ્લાના સાંતલપુર તરફથી કચ્છમાં પ્રવેશતી સફેદ રંગની હેરિયર કારને રોકવાનો ઈશારો કરતાં ચાલકે કાર ભગાવી મૂકી હતી. પણ યુ. ટર્ન લેતા કાર ડિવાઈડર ઉપર ચડી જતા થંભી ગઈ હતી.
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત રૂ.10 લાખની ટાટા હેરિયર કાર કબજે કરી કુલ રૂ.19,85,315નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સતાવાર સાધનો દ્વારા જણાવાયું છે. નાશી છૂટેલા કારના ચાલક વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

