પોલીસની ખોટી ઓળખ આપી હોટલ સંચાલકને માર મારી ૪૦ હજારની લૂંટ

મુંદરાના રતાડિયા સીમમાં બબેલી ઘટના, ચાર મોબાઈલ પણ લઈ જવાયા

મુંદરા તાલુકાના રતાડિયા ગામના સીમ વિસ્તારમાં નેશનલ હાઈવે નજીક આવેલી ન્યૂ બાબા રામદેવ હોટલમાં પોલીસની ખોટી ઓળખ આપી હોટલ સંચાલક સહિતના લોકોને માર મારી 40 હજારની લૂંટ ચલાવાયાની ફરિયાદ પ્રાગપર પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદમાં આરોપીએ હોટલ સંચાલક પાસે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ કરાયો છે. ફરિયાદ મુજબ, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી લખમારામ ઉર્ફે લિખમારામ સોનારામ ગોદારા (જાટ) છેલ્લા આઠ મહિનાથી રતાડિયા સીમમાં ન્યૂ બાબા રામદેવ હોટલ ચલાવે છે. તેઓ તેમના માસા કેશારામ સાથે હોટલનું સંચાલન કરે છે. 18 ઓક્ટોબરની સવારે આશરે છ વાગ્યે નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્વીફ્ટ કારમાં એક શખ્સ હોટલે આવ્યો હતો. તેણે પોતે પોલીસમાં હોવાની ઓળખ આપી હોટલમાં ગેરકાયદે ધંધો થતો હોવાનું કહી હોટલના લાયસન્સ અને યુરિયા વેચાણના લાયસન્સની માંગણી કરી હતી. તો હોટલના કર્મચારીઓના મોબાઈલ ફોન લઈ તેમને રૂમમાં બોલાવ્યા હતા.
આરોપીએ હોટલ સંચાલક તથા કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી લાકડી અને લાતોથી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્રણ લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો બધાને પોલીસ સ્ટેશન લઈ જઈશ તેવી ધમકી પણ અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ શખ્સે પોતાનું નામ રાહુલ ગઢવી હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદ મુજબ હોટલ સંચાલકના ખિસ્સામાંથી રૂ. 20 હજાર રોકડા બળજબરીથી તેણે લઈ લીધા હતા. ઉપરાંત ગોસાઈરામ, કુંવરારામ, વીરારામ અને ડ્રાઈવર શનિદેવના ચાર મોબાઈલ ફોન, જેની કિંમત આશરે રૂ. 20 હજાર થાય છે, તે પણ તે લઈ ગયો હતો. બાદમાં બનાવ વિશે પ્રાગપર પોલીસને જાણ કરાઇ હતી. આરોપી પોલીસમાં ન હોવાનું જાણવા મળ્યા બાદ તેની સામે ફરિયાદ નોંધાવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.