મદદગારી કરનાર માતા-પિતા તથા બનેવીને ૨૦-૨૦ વર્ષની સખત કેદ : ભુજ અદાલતનો ચુકાદો, ૧.૫૦ લાખનો દંડ,પીડિતાને ૩ લાખનું વળતર
ભુજની ખાસ અદાલતે સગીરા સાથે અવાર-નવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં મુખ્ય આરોપી ભુજના સલમાન ગુલામશા સૈયદને ૨૫ વર્ષની સખત કેદની સજા તથા તેને મદદગારી કરનાર તેના માતા-પિતા અને બનેવીને ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે તમામ આરોપીને કુલ દોઢ લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે.
આ કેસની ૨૨/૦૪/૨૦૨૫ના નોંધાયેલી ફરિયાદ અનુસાર,ભોગ બનનાર સગીરાના લગ્ન આરોપી સલમાન સાથે કરાવી આપવા બાબતે તેના પરિવારજનો પર દબાણ કરવામાં આવતું હતું. ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરીના લગ્ન કરવાની ના પાડતાં આરોપીઓએ અદાવત રાખી સગીરાનું અપહરણ કરવાની ગુનાહિત ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ એકસંપ થઈ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ઉપાડી જઈ મુંદ્રા ખાતે બનેવીના મકાનમાં છુપાવી રાખી હતી .મુખ્ય આરોપી સલમાન સગીરાને અજમેર લઈ ગયો હતો અને ત્યાંથી પરત લાવ્યા બાદ તેની મરજી વિરુદ્ધ અવાર-નવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.આ ગુનામાં અન્ય સહ-આરોપીઓએ પણ મદદગારી કરી હતી.ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ.પટેલ દ્વારા કોર્ટમાં આ કેસની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
ભુજના સ્પેશ્યલ જજ એમ.એફ. ખત્રીની અદાલતમાં ચાલી ગયેલા આ કેસમાં ૫૬ દસ્તાવેજી પુરાવા અને ૧૬ સાક્ષીઓની તપાસ બાદ કોર્ટે મુખ્ય આરોપી સલમાન ગુલામશા સૈયદ (ઉં.વ. ૨૨, ભુજ)ને પોક્સો એક્ટની કલમ-૬ હેઠળ ૨૫ વર્ષની સખત કેદ તથા ૨૫,૦૦૦ દંડ અને બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ ૬૪(૨)(એમ) હેઠળ ૨૦ વર્ષની સખત કેદ તથા ૨૫,૦૦૦નો દંડ કર્યો હતો. સહ આરોપી ગુલામશા ઇબ્રાહીમશા સૈયદ (ઉં.વ. ૫૮, રહે. ભુજ – પિતા)ને મદદગારી બદલ ૨૦ વર્ષની સખત કેદ અને ૧૦,૦૦૦ દંડ. શેરબાનુ ગુલામશા સૈયદ (ઉં.વ. ૫૩, રહે. ભુજ – માતા)ને મદદગારી બદલ ૨૦ વર્ષની સખત કેદ અને ૧૦,૦૦૦ દંડ તથા અકરમશા મામદશા સૈયદ (ઉં.વ. ૩૦, રહે. મુંદ્રા – બનેવી)ને મદદગારી બદલ ૧૦ વર્ષની સખત કેદ અને ૧૦,૦૦૦ દંડની સજા ફટકારાઈ હતી. અદાલતે ભોગ બનનાર સગીરાને ન્યાય આપતા ૩,૦૦૦,૦૦/- નું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરી છે. આ કેસમાં પ્રોસિબ્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા ભોગ બનનારના કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રી ગઢવી હાજર રહ્યા હતા.

