નાગરિકોને ઘરઆંગણે મળશે પ્રાથમિક સારવાર સહિતની તબીબી સુવિધાઓ
નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે આશયથી નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન મૂળજી ચાવડા, સામાજિક અગ્રણી મોહનભાઈ ચાવડા, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગૌસ્વામી, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જશોદાબેન બળીયા તેમજ સુખપર (રોહા) જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ ગરવા સહિતના સ્થાનિક આગેવાનો ઉપરાંત આરોગ્ય વિભાગ વતી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. પ્રસાદ, સાયરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સાવંત રાઠોડ, તાલુકાના આરોગ્ય સુપરવાઈઝરો અને સુખપર (રોહા) ખાતે ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ. જયદીપસિંહ રાઠોડ, સી.એચ.ઓ. ઋતુબેન પરમાર , એફ.એચ.ડબલ્યુ. ઉષાબેન સોલંકી હાજર રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને અને નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે દિશામાં આ નવું આયુષ્માન આરોગ્ય મંદિર મહત્વની ભૂમિકા ભજવશે તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી કચ્છ દ્વારા જણાવાયું હતું.

