મુંદરા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની શાનભેર ઉજવણી
રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા થકી ભૂકંપગ્રસ્ત કચ્છને વિકાસની નવી પાંખો મળતા જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ હોવાનું આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી અમૃતિયાએ જણાવ્યું હતું.
કચ્છમાં નર્મદા પાણીના અવતરણથી એક સમયનો સુકો મુલક હરિયાળો બનતા આમૂલ પરિવર્તનો આવ્યા છે. તેવું કહેતા મુન્દ્રા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક એનાયત તેમણે કર્યો હતો. સાથેસાથે વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, રમતવીરોનું તેમના હસ્તે સન્માન કરાયું હતું.
શ્રી અમૃતિયાએ મુન્દ્રાની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સત્ સત્ નમન કરતા જણાવ્યું હતું કે, અનેક સંઘર્ષો બાદ મળેલી મહામૂલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. તેમણે નાગરિકોને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પથી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનવા હાકલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમના સહિતના મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. પ્રભારી મંત્રીએ મુન્દ્રા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક એનાયત કર્યો હતો.
વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ, મહિલા અને બાળવિભાગ, વનવિભાગ, પશુપાલન તથા આરોગ્ય કર્મચારીઓ તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, મુન્દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી સહિત પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

