અંજારમાં જૈન સમાજના વડીલોની કરાઈ ભાવભરી વંદના

જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સ્નેહનો સેતુ જોડી રાખવા યોજાયો કાર્યક્રમ

અંજારની જાણીતી સામાજિક સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સવત્સર સામૈયુ 4.0 “વડીલ વંદના”કાર્યક્રમ યોજાયો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષને વધાવવા સમસ્ત જૈન સમાજના સ્નેહમિલનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭૦ વર્ષ તથા તેથી વધુ વયના વડીલોનું સન્માન કરી તેમનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૯૦ થી ૧૦૦ જેટલા વડીલોનું સન્માન કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા જ્ઞાતિનો સ્નેહમિલન કાર્યક્રમ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાય છે. જેમાં જ્ઞાતિજનો નવા વર્ષ નિમિત્તે એકબીજાને મળી અને શુભેચ્છાઓની આપ લે કરે છે. સમાજ સ્નેહના સેતુથી જોડાયેલો રહે તે મુખ્ય હેતુ સાથે યોજાતા આ નવા વર્ષના સ્નેહમિલન સાથે યોજાયેલા આ વડીલ વંદના કાર્યક્રમમાં જ્ઞાતિજનો સોની સમાજ વાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. “વડીલ વંદના” કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે સમાજ શ્રેષ્ઠી જીગ્નેશ ભાઈ દોશી અને ડેનીભાઈ આર.શાહ રહ્યા હતા. જ્યારે જૈન જાગૃતિ સેન્ટર-અંજાર પરિવાર દ્વારા આનુસંગિક વ્યવસ્થાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેલજીભાઈ પુંજ, વનેચંદભાઈ ગઢેચા, ડો.સી.એન. મહેતા, રેખાબેન શાહ, જયેશભાઈ શાહ, પ્રતિમાબેન વોરા, શિરીષભાઈ હરિયા વગેરેએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેવું એક યાદીમાં પ્રમુખ ડેનીભાઇ આર. શાહ અને મંત્રી પારસ ભાઈ શાહે જણાવ્યું હતું.