કચ્છની 463 ગ્રામ પંચાયતમાં જામશે ચૂંટણીનો જંગ

તૈયારીઓ તેજ બનવા વચ્ચે 27 નવેમ્બરે આખરી મતદારયાદી થશે પ્રસિદ્ધ , ડિસેમ્બરમાં જાહેરનામું પ્રસિદ્ધ થવા સંભાવના

કચ્છ જિલ્લાના તમામ નવ તાલુકામાં સમાવિષ્ટ 463 ગ્રામ પંચાયતોમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટેની તૈયારીઓ તેજ બની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ યોજવાની દિશામાં ગ્રામ પંચાયતોની મતદારયાદી તૈયાર કરવાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ એન.કે. ડામોર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આગામી 27 નવેમ્બર, 2026ના વોર્ડવાર આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ અને વોર્ડવાર બેઠકોનું અનામત રોટેશન જાહેર થઈ ચૂક્યું છે. ત્યારબાદ હવે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થવાની હોવાથી ચૂંટણીની રાહ જોઈ રહેલા સંભવિત ઉમેદવારો અને રાજકીય આગેવાનોની નજર આ પ્રક્રિયા પર મંડાઈ છે.

ચૂંટણી આયોગ દ્વારા 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2026ની લાયકાતની તારીખોની સ્થિતિએ ગુજરાત વિધાનસભાની પ્રસિદ્ધ થયેલી તથા સતત સુધારણા દરમિયાન અપડેટ થયેલી મતદારયાદીના આધારે ગ્રામ પંચાયતોની મતદારયાદી તૈયાર કરવામાં આવી રહી છે.

આ પ્રક્રિયા અંતર્ગત 17 નવેમ્બરના વોર્ડવાર પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ 23 નવેમ્બર સુધી નિયમ-3(ક) અને 3(ખ) હેઠળ દાવા-વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. રજૂ થયેલી અરજીઓની ચકાસણી બાદ 26 નવેમ્બરના નિયમ-3(સી)(2) અન્વયે આખરી નિર્ણય લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.

આગામી 27 નવેમ્બરે વોર્ડવાર આખરી મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ ડિસેમ્બર માસમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે. 45,674 ચોરસ કિલોમીટરના વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં ચૂંટણીનો કાર્યક્રમ ગમે તે સમયે જાહેર થઈ શકે તેવી સંભાવનાને પગલે સરપંચ અને વોર્ડ સભ્ય પદના સંભવિત દાવેદારોએ અત્યારથી જ રાજકીય લોબિંગ અને ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.