સ્પેસ સર્વેલન્સ કંપની “દિગંતારા” દ્વારા પ્રકાશિત અહેવાલમાં કરાયો ચોંકાવનારો ખુલાસો
વર્ષ ૨૦૨૫માં થયેલા પહેલગામ આતંકી હુમલા અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દરમિયાન ચીનના જાસૂસી સેટેલાઇટ્સે ગુજરાતના દરિયાકાંઠા, ખાસ કરીને ભુજ, નલિયા અને જામનગર આસપાસના વિસ્તારો પર દેખરેખ (સર્વેલન્સ) વધારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બેંગલુરુ સ્થિત સ્પેસ સર્વેલન્સ કંપની ‘દિગંતારા’ (Digantara) ના એક વિશ્લેષણ રિપોર્ટના આધારે સમાચાર સંસ્થા ‘ધ પ્રિન્ટ’ (ThePrint) દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ત્રણ મુખ્ય ચીની સેટેલાઇટ સક્રિય: રિપોર્ટ અનુસાર, Ningxia-14, Gaofen-11 અને Yaogan-30 નામના ત્રણ ચીની સેટેલાઇટ્સ ૧૦ અને ૧૧ મે, ૨૦૨૫ ના રોજ ગુજરાતના દરિયાકાંઠા પર સંપૂર્ણપણે કેન્દ્રિત રહ્યા હતા. આ સેટેલાઇટ્સ ઉચ્ચ-રિઝોલ્યુશન વિઝ્યુઅલ ઇમેજિંગ, રેડિયો ફ્રિક્વન્સી ટ્રેકિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ (ELINT) એકત્રિત કરવાની અત્યાધુનિક ક્ષમતા ધરાવે છે. તેવું અહેવાલમાં જણાવાયું છે.
૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલા કે જેમાં પર્યટકો સહિતના ૨૬ નાગરિકોના મોત થયા હતા તેના છ દિવસ પહેલાં પણ એક ચીની સેટેલાઇટે પહેલગામ વિસ્તાર ઉપરથી પસાર થવાની સંખ્યા બમણી કરી દીધી હતી.
તો ૭ મે ના જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ થયું, ત્યારે Yaogan-43 01G સહિતના ચીની સેટેલાઇટ્સે પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર (orbital drift) કર્યો હતો, જેથી તેઓ ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર વધુ સમય સુધી નજર રાખી શકે. તેવી વિગતો આ અહેવાલમાં અપાઈ છે.
ઓપરેશન સિંદૂરના ચાર દિવસ દરમિયાન મુખ્ય જમીની સંઘર્ષ જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં રહ્યો હતો, પરંતુ ૭થી ૧૦ મે વચ્ચે ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ ડ્રોન ગતિવિધિઓ, સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટ, એર રેઇડ એલર્ટ અને એરપોર્ટ-બંદરોની કામગીરી સ્થગિત કરવા જેવી ઘટનાઓ બની હતી.
રક્ષા નિષ્ણાતોના મતે ગુજરાતનો દરિયાકાંઠો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે અરબી સમુદ્રને અડીને આવેલો છે અને પાકિસ્તાનના દરિયાઈ માર્ગોની ખૂબ નજીક છે.
ભુજ (કચ્છ) પાકિસ્તાન સરહદ નજીક આવેલું ભારતીય વાયુસેનાનું અત્યંત મહત્વનું એરબેઝ, જે પશ્ચિમી મોરચે હવાઈ સુરક્ષા પૂરી પાડે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી તેને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેવી વિગતો પણ ધી પ્રિન્ટના આ અહેવાલમાં પ્રકાશિત કરાઈ છે.
જ્યારે નલિયા પશ્ચિમ કચ્છમાં આવેલું મહત્વપૂર્ણ ફોરવર્ડ એરબેઝ છે. જેના પર પાકિસ્તાન ચીની સેટેલાઇટની મદદથી નજર રાખવા માંગતું હોઈ શકે તેવી સંભાવના પણ દર્શાવાઇ છે.
ચીની સેટેલાઇટ્સની ક્ષમતાબવિશે અપાયેલી વિગતો અનુસાર Ningxia-14: આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ-મોનિટરિંગ સેટેલાઇટ છે. તે સૈન્ય રડાર, નૌકાદળના જહાજોના રડાર, એર ડિફેન્સ સિસ્ટમ અને રેડિયો સંદેશાવ્યવહારમાંથી નીકળતા રેડિયો-ફ્રિક્વન્સી સિગ્નલોને પકડીને સૈન્ય ગતિવિધિઓનું ચોક્કસ સ્થાન જાણી શકે છે.
તો Gaofen-11 સેટેલાઇટ ૦.૮ મીટરનું પેનક્રોમેટિક રિઝોલ્યુશન ધરાવે છે. આટલા ઊંચા રિઝોલ્યુશનની મદદથી તે બંદરો પર ઉભેલા જહાજોની હિલચાલ, એરબેઝ પર પાર્ક કરેલા વિમાનોની સંખ્યા અને રનવે પર થતા ફેરફારોને સ્પષ્ટપણે જોઈ શકે છે.
જ્યારે Yaogan-30: પૃથ્વીથી લગભગ ૬૦૦ કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણ કરવા સાથે સેટેલાઇટ્સના સમૂહને રડાર સિગ્નલ પકડવા અને સતત દેખરેખ રાખવા માટે કામ કરે છે.
મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અજય લેલેએ જણાવ્યું હતું કે, મુખ્ય યુદ્ધભૂમિ ભલે જમ્મુ-કાશ્મીર અને પંજાબ હોય, પરંતુ સક્રિય સંઘર્ષ દરમિયાન અન્ય વ્યૂહાત્મક વિસ્તારોમાં દરિયાઈ જહાજો અને સૈન્ય સંસાધનોની હિલચાલ અંગેની ગુપ્ત માહિતી (ઇન્ટેલિજન્સ) અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. આ ઘટના દર્શાવે છે કે અંતરિક્ષ આધારિત જાસૂસી સામે ભારતે પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે.

