917 કેસ રજૂ , 323 મામલામાં પરસ્પર સમજૂતી સાથે નિરાકરણ
કચ્છ જિલ્લામાં વિવિધ અદાલતમાં છેલ્લા લાંબા સમયથી પડતર ચેક પરત થવાના કેસોનો ઝડપી અને સુખદ ઉકેલ લાવવા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ શનિવારે સમગ્ર કચ્છ જિલ્લાની અદાલતોમાં ખાસ લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં પરસ્પર સમજૂતી દ્વારા રૂ.14.76 કરોડની રકમના સેટલમેન્ટ સાથે વિવાદોનો નિકાલ લવાયો હતો.
આ ખાસ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના કુલ 917 કેસો સમાધાન માટે રજૂ કારાયા હતા. જેમાંથી 323 કિસ્સામાં બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સમજૂતી થતાં વિવાદોનો સમધન રાહે અંત આવ્યો હતો. આ પ્રકરણોમાં રૂ.14.76 કરોડની રકમ સમાધાન અને નિકાલ માટે નક્કી કરવામાં આવી હતી.
લોક અદાલતના માધ્યમથી પક્ષકારો માટે લાંબી કાનૂની પ્રક્રિયા, સમય અને ખર્ચમાંથી રાહત થઈ હતી. તો વર્ષોથી ચાલતા વિવાદનો અરસપરસ સહમતી સાથે ઉકેલ ખોળી કાઢવાનો માર્ગ પણ ખુલ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, કચ્છના અધ્યક્ષ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ પી. મહિડા તથા સચિવ અમિત એમ. પાટડીયાનું માર્ગદર્શન રહ્યું હતું.

