કાચા કામના કેદીઓની બાતમીના આધારે જેલના વિશેષ વિભાગ દ્વારા કરાઈ તપાસ
ભુજની ભાગોળે ખાવડા રોડ ઉપર કાર્યરત પાલારા ખાસ જેલમાં જેલના દાણા ગોદામની બાજુમાં આવેલા સુકા ઘાસ નીચેથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને ચાર્જર બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા.
આ અંગે પાલારા ખાસ જેલના જેલર એન.આર. ચૌધરીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ, 19 નવેમ્બરના સાંજે કાચા કામના કેદીઓએ જેલ અધિક્ષકને રૂબરૂ મળી જેલમાં મોબાઇલ ફોન હોવાની બાતમી આપી હતી. આ અંગે અધિક્ષકએ શિસ્ત સલામતી જેલરને સૂચના આપતાં તેમના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઝપતી સ્કોડે તપાસ હાથ ધરી હતી. જેમાં દાણા ગોદામની બાજુમાં સુકા ઘાસમાં પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવેલો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા સફેદ રંગનું લાલ કેબલવાળું ચાર્જર મળી આવ્યું હતું. આ ફોન ચાલુ હાલતમાં હતો, પરંતુ તેમાં સીમકાર્ડ ન હતું.
મોબાઇલ ફોનને FSLમાં મોકલી તપાસ કરાવવા તેમજ જેલમાં આ પ્રતિબંધિત વસ્તુ કોણે અને કેવી રીતે પહોંચાડી, કયા કેદીઓએ તેનો ઉપયોગ કર્યો અને જેલ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે સહિતના તમામ પાસાંની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઇ છે. તેમ સતાવાર સાધનોએ કહ્યું હતું.

