ભુજની કોર્ટનો ચુકાદો, ૧૫.૪૦ લાખ વળતરનો હુકમ
નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮હેઠળના કેસમાં ભુજના ચીફ જ્યુડિશિયલની કોર્ટેએ આરોપી પ્રદીપકુમાર ભીમજી સુથાર (રહે. નિરોણા) ને જવાબદાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ કેસની પૂર્વ વિગતો મુજબ, ફરિયાદી ઉમંગ દિનેશભાઈ ઠક્કર (દાવડા) અને આરોપી પ્રદીપકુમાર વચ્ચે મિત્રતાના સંબંધો હતા. આરોપીએ પોતાની અંગત નાણાકીય જરૂરિયાત માટે ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે ગુગલ પે, બેંક એકાઉન્ટ અને રોકડા મળી કુલ ૧૪,૦૦,૦૦૦/- ઉછીના લીધા હતા. આ લેણી રકમ ચૂકવવા પેટે આરોપીએ એચ.ડી.એફ.સી. બેંક, ભુજ શાખાનો ચેક આપ્યો હતો.
ફરિયાદીએ આ ચેક પોતાની બેંક ઓફ બરોડા, ભુજ શાખામાં જમા કરાવતા, આરોપીના ખાતામાં ‘અપૂરતા ભંડોળ’ ના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. જેથી ભુજ કોર્ટમાં આ અંગે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ભુજના ધારાશાસ્ત્રી કે.પી.ગઢવીએ ફરિયાદી પક્ષ વતી હાજર રહીને દલીલો સાથે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેના આધારે કોર્ટે આરોપીને કલમ-૧૩૮ મુજબ દોષિત ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને ૧ વર્ષની જેલની સજા ઉપરાંત, ચેકની બાકી રકમ અને વળતર પેટે કુલ પંદર લાખ ચાલીસ હજાર આ હુકમની તારીખથી છ માસની અંદર ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. જો આરોપી આ વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેણે વધુ બે માસની જેલની સજા ભોગવવી પડશે તેવો હુકમ કોર્ટે સંભળાવ્યો હતો.

