જેનિશા બોખાણીને સુવર્ણ, અવની શેખલિયાને રજત ચંદ્રક
તાજેતરમાં આણંદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં આદિપુર સ્થિત ગુરુ નાનક પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થિની જેનિશા મનજી બોખાની અને અવની શેખાલિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે.
જેનિશા મનજી બોખાણી (ધોરણ ૯)એ શાનદાર રમતનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) મેળવ્યો હતો. જેનિશા અગાઉ પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં કુલ ૨૨ મેડલ (જેમાં ૧૨ ગોલ્ડ મેડલ સામેલ છે) પોતાના નામે કરી ચૂકી છે. કુ. જેનિશા કચ્છના સિનિયર ક્રાઈમ રિપોર્ટર મનજી બોખાણીના પુત્રી છે. જ્યારે આ જ શાળાની અવની શેખાલિયા (ધોરણ ૧૦)ને દમદાર પ્રદર્શન સાથે સિલ્વર મેડલ (રજત ચંદ્રક) પ્રાપ્ત થયો હતો.
વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. શાળાના ટ્રસ્ટી શીતલ સિંહ તથા એજ્યુકેશન ડિરેક્ટર કૃષ્ણ કુમાર શૉ દ્વારા બંને ખેલાડીને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળતા પાછળ સખત મહેનત, શાળા પરિવારનું માર્ગદર્શન તેમજ સહયોગ નિર્ણાયક રહ્યા હતા. તેમ આ બન્નેએ પ્રતિભાવમાં કહ્યું હતું.

