આયોજન માટે બેઠક યોજાઈ, વધુમાં વધુ ભુજવાસીઓને જોડાવા કરાયું આહ્વાન
ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન ખાતે છેલ્લા પાંચ વર્ષથી ધનતેરસના પર્વે યોજાતા દીપોત્સવની પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહેશે. આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને દાતાઓના સહયોગથી 51 હજાર દીવડા પ્રગટાવી વિકસિત ભારતના સંકલ્પ સાથે દીપોત્સવની ઉજવણી કરાશે. આ આયોજનના સંદર્ભમાં સામાજિક અગ્રણી અને અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં દીપોત્સવના આયોજનને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દેશમુખ ઉપરાંત નવીનભાઈ વ્યાસ, રાહુલભાઈ ગોર, મનીષભાઈ બારોટ, પારુલબેન કારા સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જણાવાયું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ભુજ શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકો એકત્રિત થઈ ભૂકંપમાં અવસાન પામેલા સ્વજનોને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સાથે જ ધનતેરસના પર્વે કચ્છના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી મંગલકામના સાથે 51 હજાર દીવડાઓનો ઝળહળતો દીપોત્સવ યોજાશે. આ દીપોત્સવ ભુજવાસીઓ દ્વારા ભુજવાસીઓ માટે યોજાતો એક લોકઉત્સવ છે. આ ઉત્સવ સાથે દરેક નાગરિકની લાગણી અને ભાવના જોડાયેલી છે, ત્યારે તેને વધુ લોકભાગીદારી સાથે સફળ બનાવવા સૌ નાગરિકોનો સહયોગ જરૂરી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. વધુમાં વધુ લોકો પરિવાર સહિત દીપોત્સવમાં જોડાય તે માટે આહ્વાન પણ કરવામાં આવ્યું હતું.

