કચ્છને સંલગ્ન વિવિધ પ્રશ્ને લડત કરવાની પણ તૈયારી બતાવાઈ
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજમાં જુની લોહાણા સમાજવાડી ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી સુનીલ કેદારે, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ સેલના પ્રમુખ મહેશ રાજપૂતની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં બેઠકમાં ખેડૂતોની રાહત મુદ્દે આકરા પ્રહારો કરાયા હતા.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે આરોપ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૧૮માં અતિવૃષ્ટિ સમયે સરકારે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. ૪૪,૦૦૦ ચૂકવ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૬માં દુકાળ વર્ષ જાહેર કરીને હેક્ટર દીઠ માત્ર રૂ. ૧૭,૦૦૦ની જાહેરાત કરી ખેડૂતોને નવી લોલીપોપ આપી છે. તેમણે સરકાર પાસે ખેડૂતોના ૩,૦૦,૦૦૦ સુધીના લેણાં માફ કરવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં અછતની વિકટ પરિસ્થિતિ છે અને જળ સંકટ ઊભું થઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, વીજ લાઈન, રોજગાર, મોંઘવારી, ખેડૂતો અને મહિલાઓના પ્રશ્નો પર મજબૂતીથી લડત આપશે. તેવું પણ જણાવાયું હતું.
પૂર્વ મંત્રી સુનીલ કેદારે સંગઠનને વધુ મજબૂત બનાવી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા આહ્વાન કર્યું હતું. તેમણે ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનાર સંવિધાન બચાવો રેલીમાં કચ્છ અને ગુજરાતમાંથી જોડાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે મંચ પર પૂર્વ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, નિતેશ લાલણ, ભરત સોલંકી, કલ્પનાબેન જોષી, ભરત ગુપ્તા, કિશોરદાન ગઢવી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન જિલ્લા ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ કરી હતી. કાર્યક્રમની આયોજન વ્યવસ્થા જિલ્લા મહામંત્રી ગનીભાઈ કુંભાર અને લાખાજી સોઢાએ સંભાળી હતી.

