પશ્ચિમ કચ્છમાં એલ.સી.બી.નો મોટો સપાટો ૩૦.૫૮ લાખનો દારૂ અને ૧૬.૭૦ લાખના શંકાસ્પદ ચોખા ઝડપાયા

કુખ્યાત ધંધાર્થીઓ સામે વધુ એક મોટી કાયદાકીય કાર્યવાહી

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ૩૦,૫૮,૧૯૦ની કિંમતનો ભારતીય બનાવોટનો અંગ્રેજી દારૂ તથા ૧૬,૭૦,૦૦૦ ની કિંમતના આધાર-પુરાવા વગરના ચોખાનો જથ્થો કબ્જે કર્યો છે.
માંડવી તાલુકાના ત્રગડી ગામની સીમમાં આવેલા ઘાસના ગોડાઉનમાં ગુપ્ત રૂમ બનાવીને બહારના રાજ્યમાંથી મંગાવેલ દારૂ સંતડેલો હોવાની બાતમી મળી હતી. દરોડા દરમિયાન ૭,૮૦૦ બોટલ દારૂ (કિંમત ૨૯,૦૦,૧૩૬) જપ્ત કરાયો હતો. આ મામલે યુવરાજસિંહ વજુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા, રામદેવસિંહ ચંદુભા ઝાલા, દિવ્યરાજસિંહ સરૂભા જાડેજા અને પારસ મયુરગર ગોસ્વામી સામે માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સાધનોએ આ વિગતોબાપતા કહ્યું હતું કે,, અન્ય બાતમીના આધારે ત્રગડી ખાતે યુવરાજસિંહ ઉર્ફે ટીટી મનુભા જાડેજાના રહેણાંક મકાન પાસે આવેલ પતરાના શેડમાં બનાવાયેલા ગુપ્ત રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ૩૯૬ બોટલ દારૂ ( કિંમત ૧,૨૮,૩૦૪ ) અને ૨૩૮ બિયર ટીન (કિંમત ૨૯,૭૫૦) મળીને કુલ ૧,૫૮,૦૫૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
દરમ્યાન ત્રગડીથી મીઠા પોર્ટ તરફ જતા કાચા રસ્તા પર બાવળની ઝાડીઓમાં શંકાસ્પદ રીતે ઉભેલા ટ્રેલર ટ્રકની પોલીસ દ્વારા તપાસ કરાતા આધાર-પુરાવા વગરની ચોખાની ૫૦ કિલોની ૮૩૫ બોરીઓ ( ૪૧.૭૫ ટન ચોખા, કિંમત ૧૬,૭૦,૦૦૦) મળી આવી હતી. સ્થળ પરથી ટાટા ટ્રેલર ટ્રક ( ૨૦,૦૦,૦૦૦) અને અન્ય એક ટાટા આઇશર ટ્રક (કિંમત ૫,૦૦,૦૦૦) મળી કુલ ૪૧,૭૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનો જેમ કે માંડવી, મુંદરા, અંજાર, કોડાય, પાલનપુર, અમીરગઢ વગેરેમાં પ્રોહિબિશન હેઠળના ૪૦ થી વધુ ગુનાઓમાં સંકળાયેલો છે. અન્ય સહ-આરોપીઓ મેહુલસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ જાડેજા સામે પણ અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેવી વિગતો પોલીસે આપી હતી. આ કામગીરીમાં સ્થાનિક ગુનાશોધક શાખાના પી.આઈ. એ.એમ. મકવાણા, પી.એસ.આઈ. જે.બી. જાદવ, પી.એસ.આઈ. એમ.એચ. શીણોલ તથા એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ, અ નિરુદ્ધસિંહ રાઠોડ અને ટીમ જોડાઈ હતી