અવધનગરના અજયની સિદ્ધિને સમાજે બિરદાવી આવકારી
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના અવધનગર ગામ અને મારવાડા વણકર સમાજ માટે ગૌરવ સમાન ઘટનામાં શામજીભાઈ વારસુર મારવાડાના પુત્ર અજય મારવાડાએ નેપાળમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
અજયે ફુલ પાવરલિફ્ટિંગ ગેમમાં અને અંડર-19 સબ-જુનિયર કેટેગરીના અંડર-100 કિલો વજન વર્ગમાં ડેડલિફ્ટ સ્પર્ધા, એમ બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ લેવલ પર પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ રમતવીર કચ્છી યુવાન અજય તારીખ 15મીના સાંજે પોતાના ઘરે અવધનગર પહોંચ્યો હતો. આ સમયે પરિવાર ઉપરાંત મારવાડા સમાજના સભ્યોએ તેને ગર્વ અને હર્ષ સાથે આવકાર્યો હતો.

