INOX કંપનીના લોકેશન પર અલાયદી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચોરી થતાં ચકચાર
ભુજ તાલુકામાં ચુનડી ગામની સીમમાં INOX કંપનીની પવનચક્કીના લોકેશન નંબર OMS-175 પરથી 1,42,500ની કિંમતના કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી થયાનો બનાવ બહાર આવ્યો છે. તસ્કરો રાત્રિના અંધકારમાં અંદાજે 175 મીટર કોપર વાયર અને 900 મીટર એલ્યુમિનિયમ વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી અક્ષયરાજસિંહ ચંદુભા જાડેજા રહે. મકડા આર્મ ટ્રેક સિક્યુરિટી સર્વિસ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેમની કંપની INOX કંપનીની પવનચક્કીઓ પર સુરક્ષા પૂરી પાડે છે. ફરિયાદ મુજબ, તા. 15/10ના વહેલી સવારે આશરે ચાર વાગ્યે ચોકીદાર વિક્રમસિંહનો ફોન આવ્યો હતો કે પવનચક્કીમાંથી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ છે. સવારે આઠ વાગ્યે અક્ષયરાજસિંહ સ્થળ પર પહોંચ્યા ત્યારે ચોકીદારે જણાવ્યું હતું કે રાત્રે બે વાગ્યે સામાન તપાસ્યા બાદ તેઓ સૂઈ ગયા હતા. સવારે ચાર વાગ્યે ઊઠીને તપાસ કરતાં વાયર ભરેલા લાકડાના ગોળ ચકરડા ખાલી જોવા મળ્યા હતા. તપાસમાં કુલ 1,42,500ના વાયરની ચોરી થયાનું જણાયું હતું તેમ ફરિયાદમાં લખાવાયું છે.

