સગીર વયની પુત્રીને મરવા માટે મજબૂર કરનાર માંડવીના શખ્સને આજીવન કેદ

પાંચ વર્ષ જુના કેસમાં ભુજ ખાસ કોર્ટનો ચુકાદો

માંડવી શહેરના જે તે સમયના ચકચારી અને સમાજ માટે શરમનાક કહી શકાય તેવા કિસ્સામાં ભુજની ખાસ અદાલતે મરનાર સગીરાના પિતાને આજીવન સખત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કિસ્સામાં સગીર પુત્રીને મરવા મજબૂર કરનાર પિતા માંડવીના દીવાદાંડી પાસે રહેતા અને ઓમાન ખાતે કામધંધો કરતા આરોપી કમલેશ પરષોત્તમ કષ્ટવાલા (ઉં. વ. ર૭),ને આ સજા કરી છે. આરોપી અવાર-નવાર માંડવી પોતાના ઘરે આવતો-જતો હતો.આ દરમિયાન તેણે પોતાની જ ૧૭ વર્ષની સગીર દીકરી સાથે વિડીયોકોલ તેમજ રૂબરૂમાં પિતાપુત્રીના પવિત્ર અને નિર્મળ સંબંધોને લાંછન લગાડે તેવી હરકતો કરી હતી. તેણે દીકરીને માનસિક ત્રાસ આપીને તેની પાસે અયોગ્ય માગણીઓ મૂકી હતી.પિતાના આ કૃત્ય અને દુષ્પ્રેરણથી તંગ આવીને દીકરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ મામલે ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના માંડવી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. કેસના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલ દ્વારા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.ટ્રાયલ દરમિયાન પીડિતા સગીર હોવાનું સામે આવતા કોર્ટે કલમમાં સુધારો કરી પોકસો ધારા હેઠળ કેસ ચલાવ્યો હતો. સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી.જાડેજાએ ૧૭ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષીઓની તપાસ સાથે દલીલો રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
આ ચુકાદામાં કલમ ૩૦૫ હેઠળ આજીવન સખત કેદની સજા અને એક લાખનો દંડ, પોક્સો એક્ટ કલમ ૧૨ હેઠળ: ૩ વર્ષની સખત કેદ અને પાંચ લાખના દંડ સાથે પીડિતાની માતાને પાંચ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કરાયો હતો. ડી.એલ.એસ.એ.ને આ માટે ભલામણ કરાઈ હતી. સમાજ વ્યવસ્થા માટે કલંકરૂપ આ કિસ્સામાં અદાલતે આપેલો આ હુકમ દાખલારૂપ સાબિત થાય તેમ છે. સગીર દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી પિતાને આજીવન કેદ અને દંડ સાથે ભુજ સ્પેશિયલ કોર્ટે આ દાખલરૂપ ચુકાદો આપ્યો હતો.