કચ્છના નાના–મધ્યમ સિંચાઇના જળાશયો ખાલીખમ : જબબર જળસંકટ થવાની દહેશત

નર્મદાના નિરથી ડેમો ભરવાની ઘોષણા વચ્ચેની ડરામણી સ્થિતિ

કક્ષાનાપાણી માટે હમેંશા તરસ્યા રહેતા આવતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર જળસંકટના એંધાણ વર્તાવા લાગ્યા છ. જિલ્લામાં 170 પૈકી 97 નાની સિંચાઈ યોજનાઓના ડેમ ખાલી પડ્યા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે.
કચ્છની આ 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 97 ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક હદે પહોંચ્યું છે. 170માના માત્ર 73 ડેમમાં જ પાણીનો સંગ્રહ રહ્યો છે. જે કુલ સંગ્રહ ક્ષમતા સામે માત્ર 9.33 ટકા પાણી હોવાના આંકડા સપાટી ઉપર આવ્યા છે.
કચ્છ જિલ્લામાં હયાત નાની સિંચાઈ યોજનાઓની પાણીની કુલ સંગ્રહ ક્ષમતા 10,691.81 MCFТ છે. જ્યારે હાલ ઉપલબ્ધ પાણીનો જથ્થો માત્ર 998.09 MCFT હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે.
આ સ્થિતિમાં 2018 પછી ફરી એકવાર કચ્છમાં પાણીની ગંભીર અછત જેવી સ્થિતિના એંધાણ જોવા મળી રહ્યા હોવાનું આ ક્ષેત્રના નિષ્ણાતો મત વ્યક્ત કરી રહ્યા છે.
ચાલુ વરસાદી ઋતુમાં જુલાઈ માસના અંત સુધી પશ્ચિમ કચ્છમાં માત્ર 1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાતા વાવેતર થયેલો પાક સૂકાઈ જવાની ભીતિ પણ સેવાઇ રહી છે. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર વરસાદ ન પડે તો પશ્ચિમ કચ્છમાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા પણ સતાવી રહી છે.
બીજીબાજુ કચ્છમાં મધ્યમ સિંચાઈની 20 યોજનાઓ પૈકી માત્ર 1 ડેમમાં જ સંપૂર્ણ પાણી ભરાયું હોવાની વિગતો બહાર આવી છે. નર્મદાના નીરથી ડેમો ભરવાની જાહેરાતો છતાં અનેક ડેમ હજુ ખાલીખમ હોવાથી ચિંતામાં વધારો થયો છે. તો વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો માટે આગામી દિવસો મુશ્કેલ બનવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.