કર્ણાટકના જૈન મંદિરની 11.48 લાખની ચોરીનો ભેદ ભચાઉ પોલીસે ઉકેલ્યો

રાજસ્થાનની આંતરરાજ્ય ટોળકીનો સદસ્ય ઝડપાયો

કર્ણાટક રાજ્યના હુબલી શહેરના આદિનાથ જૈન મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલો 21 વર્ષીય આરોપી ભચાઉના બંધડી ગામેથી ઝડપાયો હતો.

કર્ણાટક રાજ્યના હુબલી નજીક હોસગબ્બુર સ્થિત આદિનાથ જૈન મંદિરમાં થયેલી 11,48,200ના મુદ્દામાલની ચોરીનો ભેદ પૂર્વ કચ્છ ભચાઉ પોલીસે ઉકેલી આંતરરાજ્ય ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, કર્ણાટકના બેન્ડીગેરી પોલીસ સ્ટેશનમાં ગત તા. 4 ઓક્ટોબર, 2026ના ચોરીનો આ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલો આરોપી રવિકુમાર હેતારામ ગરાસિયા ભચાઉ તાલુકાના બંધડી ગામમાં હોવાની ભચાઉ પોલીસને બાતમી મળી હતી.

બાતમીના આધારે ભચાઉ પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી બંધડી ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં કોતરણીનું કામ કરતો હોવાનું અને નજીકમાં આવેલા શિવ મંદિરની ઓરડીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.