દેવ દિવાળી ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા બાળકો સાથે

ભુજની સામાજિક સંસ્થા અને મંડળે કરી અનોખી ઉજવણી

દેવ દિવાળીના પર્વ નિમિત્તે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા માનવતાભર્યા અભિગમ સાથે ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોના બાળકો સાથે અનોખી ઉજવણી કરી હતી.

સંસ્થાના કાર્યકરોએ રાત્રિના સમયે ભૂંગા અને ઝુંપડાઓમાં પહોંચી બાળકો સાથે ફટાકડા ફોડી પર્વની ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે બાળકોને ફટાકડા, મીઠાઈ, કપડાં અને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ પરિવારોને ટિફિન અને ભોજન સેવા પણ પૂરી પાડવામાં આવી હતી.

આ સેવા પ્રવૃત્તિમાં સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણી, અંકિતાબેન ધોકાઈ, નરેન્દ્ર સ્વાદિયા, નર્મદાબેન ગામોટ, મણજીભાઈ ગામોટ, રામુબેન પટેલ, રાજુલાબેન શાહ, માલતીબેન ગઢવી સહિતના કાર્યકરો સહભાગી બન્યા હતા. જીવદયા પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.

આ સેવા અભિયાનમાં અમદાવાદનાં નીનાબેન ઋષિકેશભાઈ પટણી તેમજ ભુજના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે સહિતના દાતાઓનો સહયોગ મળ્યો હતો.