૨૮ નવેમ્બરે ભુજમાં AIIMS દ્વારા ‘નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ’

મહત્તમ લાભ લેવા સાંસદ અને એઈમ્સ રાજકોટના સભ્ય કેસરીદેવસિંહ ઝાલાની અપીલ

દેશમાં આરોગ્ય ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ ગણાતી સંસ્થા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) રાજકોટ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી શનિવાર, તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૬ના ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ‘નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. આ મેગા કેમ્પમાં કચ્છના જરૂરિયાતમંદ નાગરિકોને ઉપસ્થિત રહી લાભ લેવા સાંસદ અને રાજકોટ એઈમ્સના સભ્ય કેસરીદેવસિંહ ઝાલાએ અપીલ કરી છે.

સાંસદ શ્રી ઝાલાએ જણાવ્યું છે કે, રાજકોટ AIIMS દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કચ્છવાસીઓ માટે આગામી ૨૮ નવેમ્બરના શનિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

આ કેમ્પની વિશેષતાઓ અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, આ કેમ્પમાં ૧૮થી વધુ વિભાગોના રાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચ નિષ્ણાત તબીબો હાજર રહીને દર્દીઓની તપાસ કરશે. કેમ્પમાં માત્ર નિઃશુલ્ક સારવાર અને દવાઓ જ નહીં, પરંતુ પ્રાથમિક કક્ષાના જરૂરી મેડિકલ ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. વધુમાં, આ કેમ્પમાં તપાસ બાદ જે દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત જણાશે, તેઓ રાજકોટ એઈમ્સ ખાતે જઈને આગળની સારવાર પણ કરાવી શકશે.