વિવિધ રાજ્યના ચાર સાધકો મુંબઈમાં જૈન દીક્ષા અંગીકાર કરશે

25મી નવેમ્બરથી પાંચ દિવસીય મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

ચાલુ અઠવાડિયામાં જૈન સંત નમ્રમુનિ મહારાજની હાજરીમાં મુંબઇ ખાતે આયોજિત પાંચ દિવસીય ‘જૈન દીક્ષા મહોત્સવ’ દરમિયાન, ચાર જૈન સાધક સંસારિક જીવનનો ત્યાગ કરી સાધુ જીવન (સંન્યાસ) અંગીકાર કરશે.

પારસધામ દ્વારા આયોજિત આ દીક્ષા મહોત્સવ ૨૫ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી ચાલશે, જેનો પૂર્ણાહુતિ સમારોહ રવિવારે સવારે મુંબઈના બીકેસી સ્થિત ‘જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર’ ખાતે યોજાનારી વિધિવત દીક્ષા વિધિ સાથે સંપન્ન થશે.

ચાર મુમુક્ષુ યશવી મહેતા (૨૧), જાનવી શાહ (૨૧), તન્મયા રાજપૂત (૨૬) અને અરુણા હડવડિયા (૫૭) અનુક્રમે મુંબઈ, કોલકાતા, અકોલા અને ગોંડલના રહેવાસી છે. તેઓ તમામ તત્વજ્ઞાન, તબીબી વિદ્યા, ઈજનેરી અને અન્ય જેવા વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાંથી આવે છે.

જૈન સાધુ પરંપરામાં, દીક્ષા લેતા પહેલાં સાધક તરીકે વર્ષો સુધી તૈયારી કરવી પડે છે, જે દરમિયાન સાધકની સહનશક્તિ અને આધ્યાત્મિક દ્રઢતાની કસોટી થાય છે. ગુરુ અને પરિવારજનોની વિધિવત સંમતિ મળ્યા બાદ, દીક્ષાર્થી ‘દીક્ષા વિધિ’માંથી પસાર થાય છે. આ પ્રક્રિયામાં તેમને શ્વેત વસ્ત્રો અને એક નવું આધ્યાત્મિક નામ આપવામાં આવે છે, તથા તેઓ અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આ પાંચ મૂળભૂત વ્રતો સ્વીકારે છે. આ વિધિમાં ‘કેશ લોચન’નો પણ સમાવેશ થાય છે, જેમાં પરંપરાગત રીતે હાથ વડે વાળ ઉખાડવામાં આવે છે; આ ક્રિયા ભૌતિક ઓળખ પ્રત્યેના અનાસક્તિભાવનું પ્રતીક છે.

પાંચ દિવસનો આ ઉત્સવ ત્યાગ, સંયમ અને અનાસક્તિના પરંપરાગત જૈન વિધિ-વિધાનો પર આધારિત છે. આયોજનના ભાગરૂપે, પારસધામ ખાતે બુધવારે સવારે શોભાયાત્રા સાથે આ ઉત્સવની શરૂઆત કરાશે. ત્યારબાદના ત્રણ દિવસો દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં શનિવારે વિદાય સમારોહ અને રવિવારે દીક્ષા સમારોહનો સમાવેશ થાય છે. રવિવારના કાર્યક્રમમાં લોકગાયિકા અને બિહારના ધારાસભ્ય મૈથિલી ઠાકુર દ્વારા ભક્તિ સંગીતની પ્રસ્તુતિ પણ આપવામાં આવશે.

આ પહેલ મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં યોજાયેલા અનેક સામુદાયિક મેળાવડાઓ બાદ હાથ ધરવામાં આવી છે. ૧૫ નવેમ્બરના રોજ, મુંબઈભરના જૈન સંઘોના પ્રતિનિધિઓ મુમુક્ષુઓના સામૂહિક સન્માન માટે એકત્ર થયા હતા, જ્યારે ગોંડલમાં ભક્તોએ હડવદિયા માટે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

જૈન મુનિ નમ્રમુનિ મહારાજ આધ્યાત્મિક અને માનવતાવાદી સંસ્થા ‘પારસધામ’ના સ્થાપક છે. તેમણે ૫૦થી વધુ સાધકોને સાંસારિક સુખ-સુવિધાઓનો ત્યાગ કરવાના માર્ગે પ્રેરિત કર્યા છે.