વહીવટી તંત્રની પહેલ વૃદ્ધ માતા અને માનસિક અસ્વસ્થ પુત્ર માટે બની ઉપયોગી

પાકા મકાન , સારવાર અને આર્થિક સહાયનો ટેકો અપાયો

રાપર તાલુકાના આડેસરમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્રની માનવતાભરી પહેલ ઉપયોગી બની હતી. સોશિયલ મીડિયાના અહેવાલ બાદ વૃદ્ધ માતા અને તેમના માનસિક અસ્વસ્થ પુત્રને સરકારી યોજનાઓનો સહારો અપાવતી કામગીરી કરાઈ હતી.

આડેસરમાં સંવેદનશીલ વહીવટનું ઉદાહરણ બનેલા આ કિસ્સામાં કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અનિષાબેન મદારીને પાકા મકાન, સારવાર અને આર્થિક સહાયની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની તાત્કાલિક નોંધ લેવા સાથે કચ્છના વહીવટીતંત્રે માનસિક બીમારીથી પીડાતા પુત્રની સારવારથી લઈ અંત્યોદય રાશનકાર્ડ અને આવાસ સુધીની મદદ ઘરે બેઠા પહોંચાડી આપવાનું કાર્ય કર્યું હતું.

આડેસર ગામે રહેતા વૃદ્ધ માતા અનિષાબેન ઈબ્રાહીમ મદારી પોતાની માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતા પુત્રની એકલા હાથે સારસંભાળ રાખી રહ્યા હતા. આ પરિવારનો વિષમ પરિસ્થિતિમાં ખુલ્લા પ્લોટમાં એક છાપરા નીચે પુત્રને લોખંડના ખીલે સાંકળથી બાંધી રાખવાની મજબૂરી અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાબત કચ્છ જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર શ્રી રાણાવસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ અધિકારી અભિષેક તલે તથા રાપર મામલતદાર એચ.બી. વાઘેલાની ટીમ દ્વારા સંવેદનશીલતા દાખવી આ માનવતાભરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત, વિચરતા સમુદાય સમર્થન મંચ એનજીઓ વગેરેના સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી આ જરૂરિયાતમંદ પરિવારને જીવન જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી હતી.