મહાવીર ભોજનાલયની સેવાકીય પ્રવૃત્તિમાં નવી વ્યવસ્થાનો કરાયો પ્રારંભ : જરૂરતમંદને મફત ભોજન
અંજાર શહેરમાં રીટાબેન રમણીકલાલ દોશી પરિવારના સહયોગથી મહાવીર ડેવલપર્સ, અંજાર–ગાંધીધામ દ્વારા સંચાલિત સેવાકીય પ્રવૃતિઓમાં નવી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતૃ પ્રેરણા બિલ્ડીંગ ખાતે ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત મહાવીર ભોજનાલયમાં નવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી દેવ દિવાળી, તા. ૨૪ નવેમ્બર, મંગળવારથી ભોજનાલયમાં ભોજન સેવા બંને સત્રમાં બપોરે ૧૨થી ૨ અને સાંજે ૬:૩૦ થી ૮ વાગ્યા દરમિયાન ઉપલબ્ધ રહેશે.
સંસ્થા દ્વારા અગાઉ અમલમાં રહેલી રૂ. ૧૦ના ટોકન ચાર્જની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર અતિ જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવશે, જ્યારે અન્ય તમામ લાભાર્થીઓ માટે રૂ. ૧૦૦ના ચૂકવણાથી શુદ્ધ, સાત્વિક અને ભરપેટ જૈન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને સન્માનપૂર્વક ભોજન પૂરું પાડવાની સેવાભાવનાને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવાનો છે. આ નવી વ્યવસ્થાના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિને સતત આગળ ધપાવવા તથા વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી સેવાનો લાભ પહોંચાડવાનો સંસ્થાનો પ્રયાસ રહેશે. તેવી વિગતો અપાઈ હતી. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા મહાવીર સારવાર કેન્દ્રની સેવાઓ બંધ કરવામાં આવી છે. તેવી માહિતી પણ અપાઈ હતી.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જીગ્નેશભાઈ દોશી દ્વારા નવી અને વિશેષ જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી સમયમાં અંજાર તાલુકામાં અંદાજીત 50 એકરમાં ‘વડીલ વંદના ટાઉનશીપ’નું નિર્માણ કરવામાં આવશે. સાથે જીગ્નેશભાઈએ એવી પણ જાહેરાત કરી છે કે કચ્છમાં કોઈપણ જગ્યાએ રમણીક રાજા ચેરીટેબલ ટ્રસ્ટના નિયમો અનુસાર જો ભોજનાલય શરૂ કરવા માગતા હશે તો ટ્રસ્ટ દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.
આ જ પ્રકારે અંજાર શહેરમાં ગરીબો અને જરૂરિયાત મંદ વ્યક્તિની સેવા માટે કાર્ય કરતી કોઈપણ સંસ્થા પોતાના સેવાના વ્યાપને વધારવા માટે પણ આ ટ્રસ્ટ નો સંપર્ક કરશે તો તેને પણ યોગ્ય મદદ કરવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. એવું ટ્રસ્ટી મેહુલભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું હતું.

