મુંદરા થઈ ટ્રક ભુજ આવવાની હતી, ચાર સામે ગુનો દાખલ
મુંદરા તાલુકાના રતાડિયા ગામની સીમમાં કાર્યરત હાઈવે હોટેલ પર પાર્ક કરાયેલી ટ્રકમાંથી ૧૬.૪૧ લાખનો અંગ્રેજી પ્રકારના શરાબનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. ભાવનગર જિલ્લાનો નકલી દારૂ અને લઠ્ઠાકાંડનો મામલો ગરમાગરમ છે. આ બાબતે કડક કાર્યવાહી વચ્ચે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવા સમયે જ કચ્છમાં શરાબનો આ મોટો જથ્થો ઝડપાયો છે.
પ્રાગપર પોલિસ મથકની ટુકડીએ આ કિસ્સામાં ટ્રક ડ્રાઈવર સમીર નુરમામદ જુણેજા ( જામનગર) અને તેની જોડે રહેલા અસલમ ઓસમાણ કુરેશી ભુજવાળાની ધરપકડ કરી હોવાની વિગતો જાહેર કરાઇ છે.
મહેસાણા જિલ્લાના કટોસણ ગામ નજીકથી રામ ઊર્ફે ઈન્દુ મારવાડીના કહેવાથી શરાબ ભરેલી ટ્રક મુંદરા તરફ રવાના થઈ હોવાનું અને ટ્રક ભુજ લઈ જવાની હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.
ભુજના ટ્રક માલિક કાસમ કરીમ સમા (સુરલભીટ્ટ રોડ) સહિત ચારે સામે ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું.

