કરોડોના હિસાબોની વિગતો પોલીસની તપાસમાં સપાટી ઉપર
સાયબર ક્ષેત્રમાં માફિયા બની ચૂકેલા તત્વોને કમિશન લઈને પોતાના બેન્ક ખાતાં ભાડે આપવાના વ્યવસ્થિત ઢબના કૌભાંડમાં પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા તહોમતદારોમાં રાજકીય પક્ષના સંગઠન હોદ્દેદારના પુત્રનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી મ્યૂલ એકાઉન્ટ ટોળકીએ ખોલાવેલાં જુદાજુદા ૭૬ બેન્ક ખાતાંમાં દેશભરમાંથી સાયબર ઠગાઈના ૩૨.૬૨ કરોડ જમા થયા હતા અને ઉપડી પણ ગયાં હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હોવાની વિગતો સતાવાર સાધનોએ જાહેર કરી છે.
આ પ્રકરણમાં ગોવા નાસી ગયેલા ગાંધીધામના સૂત્રધાર મનાતા પ્રિયાંક રમેશભાઈ પલણ ઊર્ફે બિટ્ટુ ઊર્ફે જૉન શેઠના સાગરીત પાર્થ ચેતનભાઈ ઝાલા સહિત પાંચની વિધિવત્ ધરપકડ વધુ આરોપીના રૂપમાં કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસના સકંજામાં આવી ગયેલા આ પાંચ આરોપોમાં પાર્થ ઉપરાંત અશ્વિન ગોવિંદ કાનાણી, વશરામ ઊર્ફે કાલુ કાનાણી, કિશન જગદીશ વાંજા અને વત્સલ ઊર્ફે વિશાલ અનિલ ઠકકરનો સમાવેશ થાય છે. તેમ પોલીસે જણાવ્યું હતું.
પકડાયેલો આરોપી પાર્થ અંજાર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર તથા હિંદુ યુવા સંગઠન અને ફટાકડાં એસોસિએશનના અગ્રણી ચેતન હરિભાઈ ઝાલાનો પુત્ર થતો હોવાની વિગતો પણ સામાજિક અને રાજકીય વર્તુળોમાંથી સપાટી ઉપર આવી છે. કેસનો સૂત્રધાર બતાવાયેલો પ્રિયાંક ઊર્ફે બિટ્ટુ સાથે વકાર હુસેન હોડા, કુલદીપ ઊર્ફે કિશન બારોટ એમ ત્રણ જણ હજુ હાથમાં ન આવ્યા હોવાનું પણ પોલીસે ઉમેર્યું હતું. પૂર્વ કચ્છ બેંક એકાઉન્ટ ભાડે આપવાના સંગઠિત કૌભાંડના આ પર્દાફાશ સાથે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને કરોડો રૂપિયાના ઓનલાઈન સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના નેટવર્કનો ભાંડો પણ ફોડ્યો છે. પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ આરોપીઓ ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપીને તેમના દસ્તાવેજો મેળવતા હતા. ત્યારબાદ તેમના નામે વિવિધ બેંકોમાં બચત ખાતા અને વ્યક્તિગત ચલણી ખાતા ખોલાવીને તે ખાતાઓ સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા હતા. પોલીસને શરૂઆતમાં ૬૯ બેંક ખાતાઓની માહિતી મળી હતી. આ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં કુલ ૧૨૭ ફરિયાદો નોંધાઈ હતી. વધુ તપાસ દરમિયાન કુલ ૭૬ બેંક ખાતાઓમાં આશરે ૩૨ કરોડ ૬૨ લાખ ૧૬ હજાર ૩૬૪ રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું હતું. આ ખાતાઓમાં ઓનલાઈન રોકાણ, પાર્ટ ટાઈમ નોકરી, કોલર આઈડી, ફેક લોન એપ્લિકેશન, વોટ્સએપ હેકિંગ, ઓએલએક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત છેતરપિંડીની રકમ જમા કરવામાં આવતી હતી. કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના રાજ્યોમાંથી આ ખાતાઓ સામે ફરિયાદો નોંધાઈ હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે ગાંધીધામ અને અંજાર વિસ્તારમાંથી બેંક ખાતાઓનું નેટવર્ક સંચાલિત કરવામાં આવતું હતું અને બેંક કિટ, ઈ-મેઇલ આઈડી તેમજ પાસવર્ડની માહિતી કુરિયર અને વોટ્સએપ મારફતે ગોવા સુધી પહોંચાડવામાં આવતી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના છ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, પીએસઆઈ એચ.બી. કોવાડિયા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

