પ્રાણીઓને તેમના મૂળ વસવાટ દેશોમાં સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા પુનઃવસવાટ માટે મડાગાસ્કર પરત લાવવામાં મદદ કરશે, રાષ્ટ્રીય સંરક્ષણ કેન્દ્ર સ્થાપશે, સ્થાનિક વન્યજીવ નિષ્ણાતોને તાલીમ આપશે
પૃથ્વી પરથી સૌથી ઝડપથી નામશેષ થઈ રહેલા વન્યજીવોમાંના કેટલાક માટે એક મહત્વપૂર્ણ કદમ ભરતા, ભારતના ગુજરાતમાં જામનગર સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (વનતારા) તથા મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ઓફ ધ રિપબ્લિકન ઓફ મડાગાસ્કર (એમઈડીડી)એ વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ અંગે દસ-વર્ષના, નોન-એક્સક્લુઝિવ સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
આ કરાર વનતારાને મડાગાસ્કરના સંરક્ષણ ભાગીદાર તરીકે માન્યતા આપે છે અને 19 ઓગસ્ટના ભારતની CITES મેનેજમેન્ટ ઓથોરિટી સમક્ષ વનતારાએ વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે. આ કરાર હેઠળ, બંને પક્ષો વિદેશમાં જપ્ત કરાયેલા માલાગાસી પ્રાણીઓને મડાગાસ્કરમાં સુરક્ષિત રીતે પરત લાવવા, મડાગાસ્કરની અંદર વન્યજીવોના બચાવ, પુનર્વસન, પશુચિકિત્સા સંભાળ અને શક્ય હોય ત્યાં પુનઃવસવાટને સહાયરૂપ થવા ઉપરાંત સંરક્ષણ, સંશોધન અને તાલીમ માટે રાષ્ટ્રીય કેન્દ્ર વિકસાવવા તેમજ લાંબાગાળા માટે માલાગાસી વન્યજીવ નિષ્ણાતોને તાલીમ આપવા માટે સાથે મળીને કામ કરશે. તેવી વિગતો અપાઈ છે.
રિપબ્લિક ઓફ મડાગાસ્કરના પર્યાવરણ અને ટકાઉ વિકાસ મંત્રી ઈ. નોલાવે લક આરિસ્ટીડેએ જણાવ્યું હતું કે: “મડાગાસ્કર વૈશ્વિક રીતે અતિ મહત્ત્વપૂર્ણ જૈવવિવિધતા ધરાવતો હોટસ્પોટ છે, અને અમારા વન્યજીવો એક રાષ્ટ્ર તરીકે અમારી ઓળખનો ભાગ છે. આ પ્રાણીઓ પરની માલિકી તેમને ઘડનારા જંગલોની છે. તેમનું રક્ષણ કરવા માટે સરહદપારના સહયોગની જરૂર છે, અને મડાગાસ્કરના કુદરતી વારસાનું રક્ષણ કરવા માટે અમારી સાથે કામ કરતા દેશો અને વનતારા જેવી સંસ્થાઓના અમે આભારી છીએ.”

ડાયરેક્ટર જનરલ ઓફ એન્વાયર્મેન્ટલ ગવર્નન્સ, MEDD, રાકોટોન્દ્રાવોનિનાલા વાલિકસન કિયાડીએ જણાવ્યું હતું કે, “વનતારા પ્રાણીઓના બચાવ, પશુચિકિત્સા સંભાળ અને કલ્યાણમાં વિશ્વ-કક્ષાની નિપુણતા પોતાની સાથે લાવે છે.
વનતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિવાન કારાણીએ જણાવ્યું હતું કે, “મડાગાસ્કર વિશ્વના કેટલાક સૌથી અસાધારણ અને અનન્ય વન્યજીવોનું ઘર છે, અને આ પ્રજાતિઓનું તેમના કુદરતી રહેઠાણોમાં રક્ષણ કરવું એ અમારી દસ-વર્ષની સંરક્ષણ વ્યૂહરચનાના કેન્દ્રમાં છે.
આ કરાર અત્યંત નિર્ણાયક સમયે થયો છે. IUCN રેડ લિસ્ટ ઓફ થ્રેટન્ડ સ્પીસીસ મુજબ, માત્ર મડાગાસ્કરમાં જ જોવા મળતી 90 ટકા લેમર પ્રજાતિ લુપ્ત થવાના આરે છે અને લગભગ એક-તૃતીયાંશ પ્રજાતિ ગંભીર રીતે નામશેષ થવાના જોખમનો સામનો કરી રહી છે. ટર્ટલ સર્વાઈવલ એલાયન્સના અંદાજ મુજબ 1990ના દાયકાના અંત અને 2013ની વચ્ચેના ગાળામાં રેડિએટેડ કાચબાની જંગલી વસ્તીમાં 47 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે, અને 2001થી 2023ની વચ્ચે દેશમાં આશરે 29 ટકા વૃક્ષ આવરણ ઘટ્યું છે.

