રોગચાળાના નિયંત્રણ માટે એન્ટી-લાર્વા કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ અને પાણીનું ક્લોરિનેશન કરાયું
કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે અને મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય, તે હેતુથી જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ દ્વારા ધોળાવીરા અને ધોરડો ખાતે આવેલી ટેન્ટ સિટી અને રિસોર્ટની મુલાકાત લઈ વિશેષ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કચ્છ જિલ્લો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાથી ધોળાવીરા અને ધોરડો જેવા મહત્ત્વપૂર્ણ પ્રવાસન સ્થળોએ આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. ખાસ કરીને આ પ્રવાસન સ્થળોએ વધુ પ્રવાસીઓની અવરજવર રહેતી હોવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે આ કામગીરી કલેક્ટર અનિલ રાણાવસિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળકરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ધોરડો અને ધોળાવીરાના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવાં સ્થળો, પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાઓ, પાણીના સંગ્રહના સ્થળો તેમજ આસપાસના પરિસરની ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે સંભવિત ઉત્પત્તિસ્થાનોનો નાશ કરવાની એન્ટી-લાર્વા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, જ્યાં જરૂર જણાય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરી પગલાં લેવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત, ઝાડા-ઊલટી અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડી શકાય અને પ્રવાસીઓને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે હેતુથી પાણીના સંગ્રહના સ્થળો તથા ટાંકીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી પ્રમાણમાં ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી હતી.
ટીમ દ્વારા ટેન્ટ સિટીના અને રિસોર્ટના સંચાલકો અને સંબંધિત કર્મચારીઓને આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

