બેન્ક કર્મચારીઓના હક અને વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમના ભાગરૂપે ગુરુવારે સાંજે ભુજમાં બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સામૂહિક સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજાયા હતા.
ભુજના કોલેજ રોડ બેન્ક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ નજીક સાંજે સંગઠનના કચ્છ યુનિટના નેજા હેઠળ કર્મચારીઓ એકત્ર થયા હતા. બેન્ક કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા તેમજ કર્મચારીઓના હક અને અધિકારોનું રક્ષણ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પાંચ દિવસીય બેન્કિંગનો અમલ કરવાની માંગ મુખ્ય મુદ્દો રહી હતી. ઉપરાંત બેન્ક મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા એકતરફી PLI સંબંધિત નિર્ણયને પરત ખેંચવા, કર્મચારીઓના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા તથા કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ભુજ અને આસપાસની વિવિધ બેન્ક શાખાઓના કર્મચારીઓ તથા અધિકારીઓને આ કાર્યક્રમમાં જોડાઈ સંગઠનની એકતા દર્શાવવા અપીલ કરવામાં આવી હતી. સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ કર્મચારીઓના હક અને પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠિત રીતે અવાજ ઉપાડવો જરૂરી છે.
ભુજમાં બેન્ક કર્મચારીઓનું હલ્લાબોલ પાંચ દિન બેન્કિંગ માંગ સાથે સૂત્રોચ્ચાર

