મધરાતે ધડાકાભેર અકસ્માત, થાંભલો બે કટકા
મુંદરામાં બુધવાર મધરાત્રિના સમયે નશાયુક્ત હાલતમાં બે યુવકએ બેફામ ઝડપે કાર હંકારી વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે વીજ થાંભલો તૂટી ગયો હતો. મુરલીધર કોમ્પલેક્ષ અને મોગલ ટી હાઉસ પાસે રાત્રિના આશરે દોઢ વાગ્યાના સુમારે આ ઘટનામાં ટાટા ટિયાગો કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
કારનો આગળનો ભાગ પૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને એરબેગ પણ ખુલી ગઈ હતી. તો પ્રચંડ ટક્કરથી વીજ થાંભલો વચ્ચેથી બે ટુકડામાં ફેરવાયો હતો.વીજ વાયરો પણ રસ્તા અને આસપાસના વિસ્તારમાં વેરવિખેર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. કારના ચાલક કરણ દુર્લભભાઈ ભાંભર, સમુદ્ર ટાઉનશીપ, મુંદરા તથા ઋષિરાજ કનકસિંહ ચુડાસમા, , મુંદરા વિરુદ્ધ મોટર ફરિયાદ નોંધી બંનેની અટકાયત કરી હતી

