ભચાઉમાં વાઘની માસી માટે કરાયું રેસ્ક્યુ

બે વર્ષ પહેલા પડી ગયા બાદ કૂવામાં ફસાયેલી હતી

પૂર્વ કચ્છના ભચાઉમાં નગરમાં બે વર્ષ પહેલા કૂવામાં પડી ગયા બાદ ફસાઈ ગયેલી બિલાડી માટે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેને સલામત બહાર કઢાઈ હતી.
ભચાઉ રેલવે ફાટક પાસે આવેલી વાડીના 100 ફૂટથી વધુ ઊંડા કૂવામાં બિલાડી ફસાઈ હોવાની માહિતી મળ્યા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકરણમાં ભચાઉની ફાયર વિભાગની ટીમને બિલાડી કૂવામાં હોવાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બે વર્ષ અગાઉ વાઘની માસી એવી આ બિલાડી કૂવામાં પડી ગઈ હતી અને ત્યારથી તે અંદર જ ફસાયેલી રહી હતી. બે વર્ષ પછીયે કૂવામાં બિલાડી જીવિત હોવાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમે તાત્કાલિક તેના માટે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સતાવાર સાધનોના જણાવ્યા મુજબ બિલાડીને બહાર કાઢવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ મોટું પાંજરું તૈયાર કરવામાં આવ્યું હતું. જેની. .મદદથી કૂવામાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ હતી. 30 મિનિટની જહેમત બાદ ટીમને બિલાડીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.