માંડવી ધારાસભ્યના હસ્તે યોજનાઓના હુકમોનું વિતરણ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અંતર્ગત દર વર્ષે ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે “બેટી બચાવો બેટી પઢાવો દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ૩૮,૫૦,૦૦૦ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં માંડવી તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરવામા આવી હતી. ધારાસભ્ય શ્રી દવેએ દીકરીઓ અને તેમના વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન તકો આપવી એ સમાજની સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્ય સરકાર મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેનો લાભ દરેક પાત્ર પરિવાર સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે.
કાર્યક્રમમાં માંડવીના મામલતદાર પ્રધ્યુમનસિંહ જેઠવા તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા ત્તેમજ આભારવિધિ જાગૃતિબેન મહેશ્વરી દ્વારા કરાઇ હતી.

