પડોશી રાજ્ય રાજસ્થાનથી યુક્તિપૂર્વક કારમાં ચોરખાનું બનાવીને લઈ અવાતો અંગ્રેજી પ્રકારના દારૂનો જથ્થો પૂર્વ કચ્છ ગાંધીધામ બી. ડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો.
ગાંધીધામ શહેરના ગુડ્સ સાઈડ પુલીયા પાસે ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી 2.88 લાખનો આ અંગ્રજી દારૂ દરોડા દરમ્યાન પોલીસને મળી આવ્યો હતો.
દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ 13.48 લાખનો મુદ્દામાલ આ કાર્યવાહીમાં કબજે કરાયો હોવાની વિગતો પોલીસે આપી હતી. 40 પેટી દારૂ અને કાર સાથે રાજસ્થાનના 2 આરોપી ભાવેશ નાઈ અને સુરેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ પોલીસે કહ્યું હતું. આ કિસ્સામાં અંજારનો નટુ ઠાકોર નામનો અન્ય એક આરોપી પકડવાનો હજુ બાકી છે. આરોપીઓ સામે દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવા સાથે ત્રીજા આરોપીને પકડી પાડવાના પ્રયાસો પોલીસે જારી રાખ્યા છે.

