આરાધના ભવન જૈન સંઘમાં યોજાયો કાર્યક્રમ , વિવિધ અનુષ્ઠાન યોજાયા
શહેરના આરાધના ભવન જૈન સંઘના ઉપક્રમે ગચ્છાધિપતિ જૈનાચાર્ય વિજય આનંદ વર્ધન સૂરીશ્વરજી મ.સા., આચાર્ય વિજય આત્મદર્શન સૂરીશ્વરજી મ.સા. તથા સાધુ અને સાધ્વી આદિ ઠાણા ૧૮ની પાવન નિશ્રામાં યોજાયેલી ચોમાસી આધ્યાત્મિક આરાધના સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ પવિત્ર અવસરે અંતિમ દેશના, વિહાર સહિતના ધાર્મિક અનુષ્ઠાનો ભક્તિભાવપૂર્વક યોજાયા હતા, જેમાં સંઘના મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય વિજય આત્મદર્શન સૂરીશ્વરજી મ.સા.એ ભાવિકોને પ્રેરક પ્રતિબોધ આપતા જણાવ્યું હતું કે મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. જીવન ક્ષણભંગુર છે અને કઈ ઘડીએ કોની વિકેટ પડી જાય તેની કોઈ ગેરંટી નથી. તેમણે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો કે ચાતુર્માસ દરમિયાન જપ, તપ અને સાધના દ્વારા જે કંઈ આધ્યાત્મિક ભાથું મેળવ્યું છે તેને બરાબર વાગોળજો અને રેસના ઘોડાની જેમ સાધનાના માર્ગે સતત આગળ વધી મળેલા દુર્લભ માનવભવને સાર્થક કરજો.
સંઘના માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચાએ આ ચાતુર્માસને યાદગાર અને અવિસ્મરણીય બનાવવા બદલ સંપૂર્ણ શ્રેય સંતવૃંદ તેમજ દાતાઓ, યુવાનો અને આરાધકોને આપ્યો હતો. સાથોસાથ તેમણે સંઘ વતી ગુરુભગવંતોને વહેલી તકે ફરી ચાતુર્માસ ફાળવવા અને શેષ કાળમાં પણ દર્શન-વ્યાખ્યાનનો વિશેષ લાભ આપવા ભાવભરી વિનંતી કરી હતી.
ચાતુર્માસ પૂર્ણ થતાં સંતવૃંદે માધાપર તરફ વિહાર કર્યો હતો, ત્યારે ભાવિકો કલાપૂર્ણ સૂરી નગર સુધી ભાવભરી વિદાય આપવા સાથે જોડાયા હતા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા, હોદ્દેદારો, ટ્રસ્ટીગણ, સંઘના વડીલ દલિચંદભાઈ મહેતા, યુવાનો અને ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંતોએ દલિચંદભાઈ મહેતાના નિવાસસ્થાને પગલાં કરી માંગલિક સંભળાવ્યું હતું, જ્યારે વાગડ સાત ચોવીસી યુવા ગ્રુપ અને દલિચંદભાઈ મહેતા તરફથી પ્રભાવના કરવામાં આવી હતી. સમગ્ર વિગતો મીડિયા કન્વીનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાની યાદીમાં જણાવાઈ હતી.

