શોકની લાગણી વ્યક્ત કરવા સાથે વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ
વિવિધ સામાજિક અને ધાર્મિક સહિતની સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા ભુજના મહિલા અગ્રણી વનદેવીબેન ચંદ્રવદનભાઈ પટ્ટણીનું અવસાન થતાં શોક ફેલાયો છે.
ભુજનાં ભારતીય સેવા મહિલા મંડળનાં સદગત પૂર્વ પ્રમુખ હતાં. તેમજ નાગર મહિલા મંડળ અને હેમ સંધ્યા મહિલા મંડળમાં અગ્રેસર રહ્યા હતાં તેમનાં અવસાનનાં સમાચાર મળતા નાગર જ્ઞાતિના અગ્રણીઓ, સ્નેહીજનો ઉપરાંત ભુજનાં હાટકેશ સેવા મંડળ, નાગર મહિલા મંડળનાં સભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
વનદેવીબેન ભુજનાં “ગરબા કવીન” તરીકે પણ ઓળખાતા હતાં. તેઓ મોટી ઊંમરે પણ યુવાનોને શરમાવે એવા લય અને તાલમાં ગરબાની રમઝટ કરતાં હતા.
વનદેવીબેન ભુજનાં જાણીતા પત્રકાર અને આકાશવાણી સમાચાર વિભાગનાં પૂર્વ સમાચાર વાચક ચન્દ્રવદનભાઈ પટ્ટણી નાં ધર્મપત્ની તેમજ કચ્છનાં જુના અખબાર જયકચ્છનાં તંત્રી તેજસ પટ્ટણી અને કચ્છમિત્ર દૈનિકનાં યુવા પત્રકાર હેમાંગ પટ્ટણીનાં માતૃશ્રી થતાં હતાં.

