કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમિતિના અધ્યક્ષ, જિલ્લા પોલીસ અધિક્ષક ઉપાધ્યક્ષ રહેશે; વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓને અપાયું સ્થાન
ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ અનુસાર કચ્છ જિલ્લા માટે પોલીસ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, ભુજ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ સમિતિના અધ્યક્ષ તરીકે કચ્છના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામરક્ષક દળના મહિલા અધિકારી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વિભાગીય નિયામક, જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક)ને સરકારી સભ્યો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
સમિતિમાં નિમાયેલા નવ બિનસરકારી સભ્યોમાં
- રાજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (નખત્રાણા તાલુકા મંજલ ગ્રામરક્ષક સભ્ય),
- ઇન્દ્રસિંહ ગોવુભા જાડેજા (ભચાઉ સુધરાઈ સભ્ય),
- હરિદાનભાઈ રાજવીરભાઈ ગઢવી (ભુજ વાલદાસ નગર, ગૃહરક્ષક દળના સભ્ય),
- લાંતીકભાઇ પંકજભાઈ શાહ (માંડવી વિસ્તારના વાહન વ્યવહારના સભ્ય) ,
- સુજાભાઈ ભૂરાભાઈ રબરી (ગળપાદર, ગાંધીધામ તાલુકાના ગ્રામરક્ષક સમિતિના સભ્ય),
- ગોપાલભાઈ નારણભાઈ ડાંગર (સાપેડા, નશાબંધી મંડળના સભ્ય),
- ધનસુખભાઈ પરસોતમભાઈ સોલંકી (પત્રકાર , ભચાઉ),
- હેતલબેન વિમલભાઈ મહેતા (વર્ધમાન નગર, ભુજ, સામાજિક કાર્યકર) અને
- અંજારના જયશ્રીબેન મયુરભાઈ મહેતા (પત્રકાર, સામાજિક કાર્યકર)નો સમાવેશ થાય છે.
સમિતિની કામગીરી અને કાર્યકાળ વિશે જણાવાયા મુજબ, સંસદ સભ્યો અને ધારાસભ્યોમાંથી બિનસરકારી સભ્યોની નિમણૂક કરવામાં આવે તો તેમનો કાર્યકાળ બે વર્ષ અથવા નવી સમિતિની પુનઃરચના થાય ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રહેશે.
કચ્છ જિલ્લામાં પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સંકલન વધારવા તથા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓને પોલીસ સલાહકાર સમિતિમાં સ્થાન આપવાના હેતુથી આ રચના કરવામાં આવી છે. તેવું જણાવાયું છે.

