અબડાસામાં મહેશ્વરી સમાજના અગ્રણી પરિવારમાં લગ્ન પ્રસંગે અનેરી પહેલ

બંધારણના ઘડવૈયાને યાદ કરી પાત્રોના નિરૂપણ સાથે અપાયો ગૌરવ અને પ્રેરણાનો સંદેશ

અબડાસા તાલુકાના મહેશ્વરી-મેઘવાળ સમાજના જાણીતા અગ્રણી અને સેવાભાવી રેલડીયા મંજલના દેવજીભાઈ કન્નરના પુત્ર સુનિલભાઈના લગ્ન પ્રસંગે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી હતી.

લગ્નની જાનમાં ભારતના બંધારણના ઘડવૈયા, સમાજ સુધારક ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા મહિલા શિક્ષણના પ્રણેતા ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેને વિશેષ રીતે યાદ કરવામાં આવ્યા હતા. કલાકારો દ્વારા આ બંને મહાનુભાવોના પાત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગનું વિશેષ આકર્ષણ બની રહ્યું હતું.

આ લગ્ન પ્રસંગ માત્ર આનંદ અને ઉત્સવ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સમાજના મહાન વ્યક્તિત્વો, શિક્ષણ, સમાનતા અને સામાજિક જાગૃતિના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ બન્યો હતો. તેવી લાગણી ઉપસ્થિત લોકોએ વ્યક્ત કરી હતી.

આ સમારોહમાં અંદાજે ૮થી ૯ હજાર મહેમાનોએ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. વિવિધ ક્ષેત્ર અને જુદાજુદા સમાજના આગેવાનો અને મહાનુભાવો સહિતના લોકોની હાજરી રહી હતી. મુંબઈના જાણીતા સંગીતકાર ઢોલી હનીફ અસલમ ગ્રુપ, અસ્મિતા રબારી, નિલેશ ગઢવી સહિતના કલાકારોએ માહોલને સંગીતમય બનાવ્યો હતો.

લગ્નના આયોજન વચ્ચે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સાવિત્રીબાઈ ફૂલે જેવા સમાજ સુધારકોને યાદ કરીને તેમના વિચારો અને સંસ્કારોને સન્માન આપવાની આ પહેલ અનેરી બની રહી હતી. આવી પહેલ સમાજમાં એકતા, શિક્ષણ, સમાનતા અને સામાજિક સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવશે તેવી લાગણી પણ વ્યક્ત કરાઈ હતી.