અનેક નવતર પહેલો દ્વારા અવનીબેન રાવલે ઊભી કરી વિશિષ્ટ ઓળખ
કચ્છ: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ ખાતે ફરજ બજાવતાં અવનીબેન રાવલને બઢતી સાથે સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ ખાતે પ્રાદેશિક નાયબ નિયામક તરીકે નિમણૂક મળતાં કચ્છ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમના સન્માનમાં વિદાય સમારંભ યોજાયો હતો.
કચ્છ જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાન અવનીબેન રાવલે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે પરંપરાગત કામગીરીની સાથે નવીન વિચારસરણી અને સર્જનાત્મક અભિગમથી અનેક નોંધપાત્ર પહેલો હાથ ધરી હતી. તેમના માર્ગદર્શન હેઠ ળ ‘શક્તિ લીડરશીપ’, ‘બાલિકા પંચાયત’, ‘યુવા સંવાદ’, ‘દીકરી જન્મોત્સવ’, ‘એક શામ બેટીઓ કે નામ’, ‘પ્રાઈડ વોક વિથ ડોટર’ જેવા કાર્યક્રમો દ્વારા દીકરીઓમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ અને સામાજિક જાગૃતિ કેળવવાના પ્રયાસો થયા હતા.
આ ઉપરાંત મહિલાઓની લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારી અને અધિકારો અંગે જાગૃતિ માટે ‘ખાસ મહિલા ગ્રામસભા’, દીકરીઓને પોલીસ અને સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી માટે પ્રેરિત કરવા ‘મિશન ખાખી’ તથા વહીવટી તંત્ર સાથે સીધા સંવાદ માટે ‘કોફી વિથ કલેક્ટર’ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.મહિલા અધિકારો, ઘરેલુ હિંસા અધિનિયમ, POSH એક્ટ, વિશાખા ગાઈડલાઈન, SHE BOX, મહિલા સુરક્ષા, સ્વરોજગાર અને વિવિધ સરકારી યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં પણ તેમણે યોગદાન આપ્યું હતું.વિદાય સમારંભ પ્રસંગે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ અવનીબેન સાથેની કાર્યયાત્રાની યાદો વાગોળી તેમના વ્યક્તિત્વ, માર્ગદર્શન, નવીન વિચારોને પ્રોત્સાહન આપવાની ભાવના અને ટીમવર્કની કાર્યશૈલીને બિરદાવી હતી.

