સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટીતંત્ર, કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, કચ્છના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.. આ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સ્વામીજી, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, આઈ.એ.એસ. અધિકારી માર્ગી શાહ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ભુજ તાલુકાના પ્રાંત અધિકારી મહેશભાઈ નાકિયા, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર, કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ કશ્યપભાઈ ત્રિવેદી, શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, ડાયટના રક્ષાબેન મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પી.જી.ઝાલા, મહેશદાન ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ ૨ અધિકારીઓ પરેશ અજાણી,ઉમર ફારૂક ખીરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆત સંસ્કૃત બોર્ડ, કચ્છ જિલ્લાના નોડલ અધિકારી જી.જી. નાકર દ્વારા સ્વાગત કરીને કરવામાં આવી હતી. ઇન્દિરાબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.
સાંસદ શ્રી ચાવડાએ સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે માહિતગાર કર્યા હતા. ધારાસભ્ય શ્રી પટેલે સંસ્કૃત ભાષાના મહત્વ અને તેની પ્રાસંગિકતા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદિપ્તાનંદ સ્વામીજીએ પણ સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ અંગે વક્તવ્ય આપ્યું હતું. મહાનુભાવોના હસ્તે કેસરી ધ્વજ ફરકાવી સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભુજ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ યાત્રામાં ભાગ લીધો હતો. જયુબિલી ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ યાત્રા વી.ડી. હાઈસ્કૂલ અને ઇન્દિરાબાઈ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી પહોંચી હતી.
હમીરસર તળાવ ખાતે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં વી.ડી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ગીતનું ગાન કરવામાં આવ્યું હતું, જ્યારે માતૃછાયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રોમનભાઈ વાણંદ તથા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. અખિલેશભાઈ આર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ટીમના એસ.એસ.ભાટી, મુકેશ પ્રસાદ, ધર્મેન્દ્ર પરમાર, જીગર દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

