ગોધરામાં રક્તદાન, મેગા મેડિકલ કેમ્પ યોજાયો

૩૩૮એ લાભ લીધો, ૮૩ વ્યક્તિએ ૧૬૮૦૦ સીસી રક્ત આપ્યું

કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા અને ટીમ ગોધરા દ્વારા ગુરુવારના બી.કે.ભેદા પંચાયતી પ્રાથમિક શાળાના વિવિધલક્ષી હોલમાં તારકગુણાશ્રીજી મ.સા., હેમગુણાશ્રીજી મ.સા. અને કુશલગુણાશ્રીજી મ.સાની હાજરીમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. માંડવી મરીન પોલીસ કમાન્ડોના પી.આઈ. એસ. આર. સાબળે અને પી.એસ.આઈ. પી. એલ્ ગઢવીએ રિબીન છોડીને તેમજ દીપ પ્રાગટ્ય વડે ઉદઘાટન કર્યું હતું. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પ્રમુખસ્થાનેથી સૌને આવકારીને જણાવ્યું હતું કે, બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ મૂળ ગોધરા (તા.માંડવી) ના હાલમાં જુહુ – પાર્લા (મુંબઈ) નિવાસી દાતા સુંદરજીભાઈ લાલજીભાઈ કેશવજીભાઈ ભેદા પરિવારના આર્થિક સહયોગથી યોજાયો છે. સમિતિના કારોબારી સભ્ય દિનેશભાઈ શાહે બ્લડ ડોનેશન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે મેગા મેડિકલ કેમ્પનો ગોધરા અને આજુ-બાજુના ગામો સહિત કુલ ૩૩૮ લોકોએ લાભ લીધો હતો જેમાં આંખના ૧૬૯, દાંતના ૧૨૮, હોમીયોપેથીકના ૭૫ અને જનરલ રોગ સહિત ૩૩૮ દર્દીઓને ડોક્ટરોની ટીમે તપાસીને માર્ગદર્શન આપ્યું હતું. કે.સી.આર.સી. અંધજન મંડળ – ભુજ દ્વારા આંખના ૧૫૯ દર્દીઓનું નિદાન કરાયું હતું તે પૈકી મોતિયાના ૧૩ અને વેલના ૬ દર્દીઓના ઓપરેશન નિઃશુલ્ક રીતે ભુજમાં કરી અપાશે. વાઈટલ કેર ભુજના ડો. વિદ્યાશ્રી શુક્લાએ દાંતના ૧૨૮ દર્દીઓને તપાસ્યા હતાં તે પૈકી ૮૦ દર્દીઓના જાલંધર બંધ આયુર્વેદિક પદ્ધતિથી ઈન્જેકશન વગર દાંત કાઢી આપ્યા હતા.
અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ પેથોલોજી વિભાગના વડા ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બ્લડ બેન્ક ટીમમાં ડો.નિધિ પટેલ, ડો.નિલેશ, બ્લડ બેન્ક કાઉન્સેલર દર્શનભાઈ રાવલ, નિકેશ પોકાર વગેરેએ સેવા આપી હતી. થેલેસેમિયા અને ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવાના આશયથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૮૩ જણએ ૧૬૮૦૦ સીસી બોટલ રક્ત આપ્યું હતું. માનવ જ્યોત – ભુજના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરના સહકારથી પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘર આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું. સંચાલન ગોધરા પ્રાથમિક શાળાના શિક્ષક અલ્પેશકુમાર દેસરભાઈ સાંગાડીએ જ્યારે સમિતિના મંત્રી સલીમભાઈ ચાકીએ આભારદર્શન કર્યું હતું.