બેખોફ લૂંટારૂઓ અજાપર પાસે ત્રાટક્યા

ગોળીબાર કરવા સાથે સોનાની ચેઇન લૂંટાઈ

અંજાર તાલુકામાં અજાપર ગામના પાટિયા નજીક બે પિસ્તોલ સાથે બાઈક ઉપર સવાર ત્રિપુટીએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હોવાની ઘટના બહાર આવી છે.
આ સનસનીખેજ કિસ્સામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ધોળા દિવસે લૂંટ ચલાવાતાં પૂર્વ કચ્છ પોલીસ દોડધામમાં પડી ગઈ છે. રાત્રિ સુધી આરોપીઓની કોઈ ભાળ મળી નથી.
અજાપર ગામની સીમમાં પુલ નજીક બાઈકસવાર ત્રણ અજાણ્યા શખ્સે ફરિયાદી યુવાનને આંતર્યા બાદ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આ લૂંટ ચલાવી હતી. તેવું બહાર આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ એક આરોપીએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી દહેશત ફેલાવી ફરિયાદીના ગળામાંથી અંદાજે રૂ.90 હજારની સોનાની ચેઈન ખેંચી લીધી હતી. યુવાને પ્રતિકાર કરતાં આરોપીઓએ પિસ્તોલના બટથી તેના માથા અને કપાળ પર પ્રહાર કર્યા હતા. તો અન્ય આરોપીએ ફરિયાદીના પેટ પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હોવાનું પણ ખુલ્યું છે. ઈજા થતાં ફરિયાદીએ બૂમાબૂમ કરી મૂકતા ત્રણેય આરોપી બાઈક લઈ નાશી ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અંજાર પોલીસે લૂંટ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. લૂંટારુ ત્રિપુટીને ઝડપી પાડવા ચોમેર તપાસ તેજ બનાવાઈ છે.