એક શખ્સ પકડાયો, 215 નંગ બોટલ-બીયરના ટીન સહિત 43,995નો મુદ્દામાલ કબજે, બે શખ્સના નામ ખુલ્યા
પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવેલો અંગ્રેજી પ્રકારના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે શખ્સના નામ ખુલ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયાના માર્ગદર્શન હેઠળ ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે રાપરના પૃથ્વીરાજસિંહ ઉર્ફે ગટી કેન્દુભા જાડેજાએ પોતાના સાગરીતો સાથે મળી ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂ મંગાવ્યો છે અને કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ પાસે પાર્સલો સાથે અન્ય વાહનમાં જથ્થો રવાના થવાની તૈયારીમાં છે.
આ બાતમીના આધારે LCB ટીમે વોચ ગોઠવી પૃથ્વીરાજસિંહ ઉર્ફે ગટી કેન્દુભા જાડેજા ( ચામુંડા નગર, રાપર)ને પાર્સલો સાથે ઝડપી પાડ્યો હતો. પાર્સલોની તપાસ કરતાં ભારતીય બનાવટના 500 એમએલના કિંગફિશર બીયરના 192 ટીન તથા મેકડોવેલ્સ નંબર વનની 750 એમએલની 23 બોટલ મળી આવી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ આ દારૂનો જથ્થો પોતાના ભાગીદાર વિશાલ રમેશભાઈ દાદલ ( રાપર ) સાથે મળી પ્રદીપસિંહ દિલુભા જાડેજા ( વાંકાનેર, જી. મોરબી ) પાસેથી પાર્સલમાં પેક કરાવી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં કિંગફિશર બીયરના 192 ટીન ₹24,000, મેકડોવેલ્સ નંબર વન 23 બોટલ ₹12,995
મોબાઇલ ફોન . ₹5,000
રોકડ રકમ ₹2,000
મળી કુલ ₹43,995ના મુદ્દામાલનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ આગળની તપાસ માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

