પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા

કચ્છના પ્રવાસનને વેગ આપવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરીને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા સૂચના

કચ્છ રણોત્સવ ૨૦૨૬-૨૭ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રણોત્સવ કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રણોત્સવ દરમિયાન દેશ વિદેશથી કચ્છ આવતા પ્રવાસીઓનો અનુભવ સુખદ બને તે માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

કચ્છની મુલાકાત દરમિયાન પ્રવાસીઓને કોઈ જ મુશ્કેલી ન પડે તે રીતે આયોજન સાથે કામગીરી કરવા માટે કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કરીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસીઓની કચ્છની મુલાકાત યાદગાર રહે સાથે સાથે જ કચ્છના પ્રવાસન સ્થળો ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. કચરાના વ્યવસ્થાપન માટેની ટીમોની સમીક્ષા ઉપરાંત, વિવિધ જાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી નિયત જગ્યાએ જ કચરો ફેંકાઈ તે અંગે પ્રવાસીઓને માહિતગાર કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રવાસન સ્થળોની આસપાસના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા સૂચના અપાઈ હતી.

આ ઉપરાંત બેઠકમાં રોડ ટુ હેવન ખાતે વન વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત ચેક પોસ્ટ, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, ટ્રાફિક નિયમન દ્વારા મુસાફરોની સુરક્ષા, પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી ‘રણોત્સવ પોર્ટલ’નું નિર્માણ, ટ્રાફિક અને પાર્કિંગની સુચારું વ્યવસ્થાઓ, ધોરડો ખાતેના વોચ ટાવર પાસે ‘નો-પાર્કિંગ’ ઝોનનો કડક અમલ, પ્રવાસીઓની સંખ્યાને અનુરૂપ પાર્કિંગથી વોચ ટાવર સુધી વધારાની બસોની ફાળવણી, મુસાફરોની પરમિટની નિયમોનુસાર ચકાસણી, મુસાફરો માટે હેલ્પ ડેસ્કની સુવિધા, અવિરત વીજળી વ્યવસ્થા, ધોરડો ખાતેના વિવિધ રસ્તાઓની સમયાંતરે મરામત સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

રણોત્સવ દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપીને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેન્ટસિટી અને ગેટ વે રણ રિસોર્ટ સંકલન ટીમ, રોડ ટુ હેવન અને ધોળાવીરા ટીમ, એડવેન્ચર એક્ટિવિટી ટીમ, ફાયર સેફ્ટી ટીમ, દબાણ દેખરેખ અને ટ્રાફિક દેખરેખ ટીમ, સાંસ્કૃતિક ટીમ, હેલ્પ ડેસ્ક ટીમ, ઈલેક્ટ્રીક સપ્લાય ટીમ, વોટર સપ્લાય ટીમ, ટીકિટિંગ અને પાર્કિંગ ટીમ, સ્વચ્છતાની દેખરેખ માટે મોબાઈલ મુવિંગ ટીમ, સ્ટોલ ફાળવણી અને હોકર ઝોન મેનેજમેન્ટ ટીમ, ઉંટગાડી અને ઘોડાગાડી નિયમન ટીમ, સ્વચ્છતા જાગૃતિ અભિયાન ટીમ, મેડીકલ ટીમ અને રોડ સેફ્ટી ટીમની રચના કરવામાં આવી છે. તેવી વિગતો અપાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, ભુજ આરટીઓ અધિકારી અનિલ ગોસ્વામી, ભચાઉ મદદનીશ કલેકટર અભિષેક પ્રમોદ તલે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા ડાંગર અને માધુરી પટેલ, ભુજ પ્રાંત અધિકારી એમ.જે.નાકિયા, નાયબ પોલીસ અધિક્ષક ડૉ.વિશ્વા શાહ, માર્ગ અને મકાન અધિક્ષક ઈજનેર કે.પી.નાઈ, જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલ સહિતના જોડાયા હતા.