દુબઈની કંપની સામે હરિયાણાની પેઢી દ્વારા ફરિયાદ
મુંદરા અદાણી બંદર ખાતેથી નિકાસ કરાયેલા બાસમતી ચોખાના વેપાર વ્યવહારમાં દુબઈની કંપનીએ શિપિંગ કંપનીઓ અને કસ્ટમ એજન્ટો સાથે મળીને રકમ ચૂકવ્યા વગર જ માલ મેળવી લઈ 1.37 કરોડની છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે.
ગત મે મહિનામાં બનેલા આ કિસ્સા બાબતે હરિયાણાની કંપની વતી ફરિયાદી પુલકિત મિત્તલએ દુબઈ તથા ભારતીય પેઢીઓના સબંધિત કર્મચારીઓ સામે મુંદરા પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી હતી. હરિયાણા કરનાલન રહેવાસી પુલકિત મિત્તલ અને તેમનો પરિવાર દુલારી ફૂડ્સ નામે રાઈસ પ્રોસેસિંગ અને એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. જાન્યુઆરીમાં દુબઈ ખાતે ‘ગલ્ફ ફૂડ્સ પ્રદર્શનમાં તેમનો પરિચય ઝમઝમ અલભર ફિશ ટ્રેડિંગના પ્રતિનિધિઓ સાથે થયો હતો. એપ્રિલમાં બંને કંપની વચ્ચે પ્રતિ ટન 980 ડોલરના ભાવે 150 ટન બાસમતી ચોખા ખરીદવાનો સોદો થયો હતો. આ સોદા મુજબ ઝમ ઝમ કંપનીએ એડવાન્સમાં 2,000 ડોલર ચૂકવ્યા હતા, જ્યારે બાકીની રકમ ન ચૂકવી ઠગાઈ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે.
પ્રકરણમાં ફરિયાદીએ 3,750 નંગ ચોખાની બોરી મુંદરા પોર્ટ પર મોકલો હતી. એક્સપોર્ટ અને કસ્ટમ ક્લિયરન્સની કાર્યવાહી બાદ કુલ છ કન્ટેનરમાં ચોખા દુબઈ મોકલવામાં આવ્યા હતા. માલ દુબઈ પહોંચ્યા બાદ ઝમઝમ કંપનીને મળી પણ ગયો હતો. જોકે ફરિયાદી કંપની અને તેની બેન્કને બિલ ઑફ લેન્ડિંગ સહિતના જરૂરી દસ્તાવેજો મળ્યા નહોતા. આખરે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ પોલીસે કહ્યું હતું.

