કચ્છમાં 18 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ

વાસી ગ્રેવી અને ફેટ સ્પ્રેડ સહિતનો મોટો જથ્થો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ.એમ. પટેલ તથા વી.એમ. બારંડાની સંયુક્ત ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટના રસોડા, સ્વચ્છતા, કારીગરોની આરોગ્યવિષયક પરિસ્થિતિ, લાયસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિત ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ’ મુજબની શરતોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે સ્થળોએ અસ્વચ્છતા, વાસી ખોરાક કે બિનઆરોગ્યપ્રદ વાતાવરણ માલૂમ પડ્યું હતું ત્યાં તાત્કાલિક ધોરણે પગલાં લેવાયા હતા.
ચેકિંગ દરમિયાન બટરના નામે વપરાતું અંદાજે ૩૦ કિલો ફેટ સ્પ્રેડ, ૮ કિલો વાસી પનીર, સિન્થેટિક ફૂડ કલર વાળી ૪૦ કિલો વાસી ગ્રેવી, ૫૦૦ ગ્રામ કૃત્રિમ કલર, પાઉંભાજી માટે વપરાતા ૬ ડઝન અનબ્રાન્ડેડ પાવ તથા પેકિંગ પર કોઈ જ વિગતો વગરના બ્રેડના પેકેટ્સ સ્થળ પર જ જપ્ત કરી માનવ વપરાશ માટે અયોગ્ય ગણાવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. તંત્રની ટીમ દ્વારા ૧૮ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ખાદ્ય સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન ન કરનારી ૯ પેઢીને કાયદા મુજબ સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે. ખાદ્ય વ્યવસાયકારોને સૂચના આપવામાં આવી છે કે તેઓએ ઉત્પાદન કે રસોઈમાં ઉપયોગમાં લેવાતો તમામ કાચો માલ લેબલિંગની સંપૂર્ણ વિગતો વાળો જ વાપરવો તેમજ રસોડામાં સ્વચ્છતા અને કર્મચારીઓની હાઇજીનનું ચુસ્ત પાલન કરવું. આગામી દિવસોમાં પણ સમગ્ર કચ્છ જિલ્લામાં આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.