કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા ભુજ ખાતે મંડળની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કારોબારી સભ્યો અને મંડળના સભાસદોની હાજરીમાં સંસ્થાની વેબસાઇટ ખુલ્લી મુકાઈ હતી.
મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, મંડળ સામાન્ય સભામાં નવા કારોબારી સભ્યોની નિમણૂક, વર્ગ-૩માંથી વર્ગ-૨ માં પ્રમોશન મેળવનારા કર્મચારીઓનું સન્માન, મંડળની સભ્ય ફી, આગામી કાર્યક્રમોના આયોજન અને અગાઉ યોજાયેલા કાર્યક્રમોના મુદ્દાઓની ચર્ચા કરીને સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મંડળની કારોબારી ટીમ ના સભ્ય યુવરાજસિંહ લીંબડ દ્વારા તૈયાર કરવામાં આવેલી મંડળની વેબસાઈટનું લોન્ચિંગ પ્રમુખ નિર્મળસિંહના હસ્તે કરાયું હતું. સંભવિત કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળએ પ્રથમ એવું સરકારી કર્મચારીઓનું મંડળ છે કે જેની પોતાની અલાયદી વેબસાઈટ હોય. વેબસાઈટ આગામી સમયમાં કર્મચારીઓને ખુબ જ ઉપયોગી નીવડશે. તેમજ મંડળને આધુનિક અને વધુ સુવ્યવસ્થિત બનવાની દિશામાં મદદરૂપ બનશે. તેવું જણાવાયું હતું.
વેબસાઈટ બનાવનાર યુવરાજસિંહએ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં ડીજીટલ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા કર્મચારીઓને ફરજમાં ઉપયોગી સામગ્રી માત્ર એક જ ક્લિક થી મળી રહે તે ઉમદા વિચારો સાથે મંડળની વેબસાઈટ બનાવવામાં આવી છે. જે વેબસાઈટ પર મંડળના સભ્યોનીમાહિતી, સરકારના વિભાગોના કર્મચારીઓને ઉપયોગી ઠરાવો અને પરિપત્રો,કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો અને જુના પેપરો, મંડળના કાર્યક્રમો અને કામગીરી સબંધિત સમાચારો જેવી અનેક ઉપયોગી માહિતી સરળતાથી મળી રહેશે.