શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા કરશે ધ્વજવંદન
રાષ્ટ્રના ૮૦માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા ગુરુવારે મુન્દ્રા ખાતે તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાએ તિરંગાને સલામી આપી હતી. પોલીસ પરેડનું નિરીક્ષણ કરીને વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમણે નિહાળ્યા હતા. તેમણે સરકારના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લાકક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના માર્ગદર્શન આપ્યા હતા.
જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાશે. મુન્દ્રા શહેરમાં ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ લિમિટેડના મેદાન ખાતે આ ઉજવણી કરવામા આવશે.
રિહર્સલ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, મુન્દ્રા એ.એસ.પી. ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન તેમજ વિવિધ સંબંધિત વિભાગના અધિકારીગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

