લખલૂટ કમાણી પછીયે કંપનીઓનું કચ્છમાં સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે નબળું યોગદાન

ત્રણ વર્ષમાં માત્ર 307 કરોડનો ખર્ચ, જે રાજ્યમાં આઠમા ક્રમે

વિનાશક ધરતીકંપ બાદ ટેક્સ બેનીફિટના લાભ સાથે કચ્છમાં કાર્યરત થયેલી વિવિધ કંપનીઓની તિજોરી અત્યાર સુધી બેશક છલકાતી રહી છે. પણ સામાજિક ઉતારદાયિત્વતાનો લાભ અન્ય જિલાઓને વધુ થયો હોવાની આંકડાકીય વિગતો ખુલી છે.
બહાર આવેલી માહિતી મુજબ કચ્છમાં કંપનીઓએ ત્રણ વર્ષમાં માત્ર 307 કરોડનો સી.આર.એસ. ખર્ચ કર્યો છે. જે ગુજરાતમા આ ક્ષેત્રના ખર્ચમાં કચ્છ 8મા ક્રમે રહ્યો છે.
2022-23માં કચ્છમાં 82.90 કરોડનો આવો ખર્ચ થયો હતો. 2023-24મા આ ખર્ચ વધીને 94.73 કરોડ થયો હતો. 2024-25માં કચ્છમા 129.42 કરોડનો ખર્ચ નોંધાયો હોવાના આંકડા બહાર આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કચ્છમાં કુલ 307.05 કરોદનો ખર્ચ સીઆર.એસ. માટે થયો છે. કચ્છમાં દેશના મોટા ઉદ્યોગો અને કંપનીઓ હોવા છતા સી.આર.એસ. ખર્ચ અન્ય જિલ્લાઓની સરખામણીએ ઓછો છે. અમદાવાદમાં ત્રણ વર્ષમાં 3,166.82 કરોડનો સૌથી વધુ ખર્ચ નોંધાયો છે. તો
જામનગરમાં 1,098.95 કરોડ અને વડોદરામાં 848.09 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં કચ્છના સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા આવા નાણાંનો વધુ અસરકારક ઉપયોગ કરવાની માંગ થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ કચ્છમાં ઉદ્યોગો દ્વારા આ પ્રકારના નાણાંનો મોટો હિસ્સો સ્થાનિક વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પાણી સહિતના ક્ષેત્રોમાં ખર્ચાય તે જરૂરી છે.